હવામાન વિભાગની આગાહી : વિદાય પૂર્વે ચોમાસુ પલ્ટી મારશે: ૨૫ રાજ્યોમાં વરસાદ પડશે

નવા લો-પ્રેશરથી હવામાન બદલાશે: વરસાદી ખાધમાં મોટી રાહત મળવાની આશા

દેશના મોટાભાગના રાજ્યોમાં છેલ્લા એકાદ મહિનાથી વરસાદી ગેરહાજરીથી ચિંતા વધવા લાગી હતી. જ્યારે હવે વિદાય પૂર્વે ચોમાસુ ફરી એક વખત સક્રિય થવાની અને વરસાદ વરસવાના સંજોગો સર્જાયા છે. લો-પ્રેશર જેવી સિસ્ટમથી ચોમાસુ જામવાની તથા દેશના 25 રાજ્યોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગે રીપોર્ટમાં જાહેર કર્યું છે કે બંગાળની ખાડીમાં ઉદ્ભવી રહેલા લો-પ્રેશરને કારણે પૂર્વી તથા મધ્ય ભારતના અનેક રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે. કેટલાક રાજ્યોમાં છુટો છવાયો અને અમુક રાજ્યોમાં ભારે-તોફાની પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. આજે અને આવતીકાલે ઓડિશાના જુદા-જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. લો-પ્રેશર ઓડિશા નજીક ઉદ્ભવી રહ્યું હોવાના કારણોસર પૂર્વીય તથા મધ્ય ભારતના રાજ્યોને પણ લાભ થશે. દિલ્હી-ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ર્ચિમ બંગાળ સહિત 25 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વરસાદની સંભાવના છે. છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મધ્ય પ્રદેશમાં અમુક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. પાટનગર દિલ્હીમાં પણ 14 સપ્ટેમ્બર સુધી હવામાન પલ્ટાની સ્થિતિ સર્જાઇ શકે છે. ઉત્તર પ્રદેશમાં કેટલાંક ભાગોમાં છુટો છવાયા તથા અમુક ભાગોમાં આંધી તોફાન સાથે વિજળીના કડાકા-ભડાકા સાથે ઝંઝાવાતી વરસાદની શક્યતા છે. બિહારમાં પણ તોફાની પવન, વિજળીના કડાકા સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ