ગીરગઢડા-ઉના તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ધારાસભ્ય કાળુભાઇ રાઠોડની માંગ

તાત્કાલીક રાહત પેકેજ, ઘાસ ડેપો અને વીજબીલમાં રાહત આપવા મુખ્યમંત્રીને રજુઆત

ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા તાલુકા માં ચાલુ વર્ષે અપૂરતા અને અનિયમિત વરસાદના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બંને તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે. ઉના વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી તાત્કાલિક રાહતના પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે ઉના અને ગીર ગઢડા તાલુકા ખેતી તેમજ પશુપાલન આધારિત મુખ્ય તાલુકા છે. ચાલુ વર્ષે બંને તાલુકાના સમગ્ર વિસ્તારમાં નબળો અને અપૂરતો વરસાદ પડવાના કારણે દુષ્કાળ જેવી વિકટ પરિસ્થિતિ નું નિર્માણ થયું છે. વરસાદ ખેંચાઈ જતાં અનેક વિસ્તારોમાં પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતો, પશુપાલકો તેમજ સામાન્ય નાગરિકોને જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે વરસાદના અભાવે ખેતી માટે પાણીની સમસ્યા ગંભીર બની છે અને ભૂગર્ભ જળસ્તર પણ નીચું ગયું છે. બીજી તરફ, બંને તાલુકામાં પશુધનની સંખ્યા મોટી હોવાથી પશુપાલકો માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહી છે.
ધારાસભ્ય કાળુ રાઠોડે માંગ કરી છે કે ગીર ગાયો સહિત પશુધનને બચાવવા માટે તાલુકા મથકોએ તાત્કાલિક સરકારી ઘાસ ડેપો શરૂ કરવામાં આવે અને રાહત દરે અથવા જરૂરિયાત મુજબ મફત ચારો પૂરો પાડવામાં આવે. સાથે જ ખેડૂતોને વાવેતર કરેલા પાકમાં નુકસાન થયું હોય તો તેનું સર્વે કરાવી યોગ્ય પાક નુકસાની સહાય ચૂકવવામાં આવે.
આ ઉપરાંત ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરી પાક નુકસાનીની સહાય, કૃષિ વીજ બિલમાં રાહત તેમજ અન્ય સરકારી રાહત યોજનાઓનો લાભ તાત્કાલિક પહોંચાડવા પણ રજૂઆત કરવામાં આવી છે.
ધારાસભ્યએ પત્રના અંતે ઉના અને ગીર ગઢડા તાલુકાની પ્રતિકૂળ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લઈ બંને તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતો અને પશુપાલકોને રાહત મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને વિનંતી કરી છે. આ રજૂઆતને પગલે હવે સરકાર દ્વારા બંને તાલુકાની વરસાદી સ્થિતિ, પાક નુકસાન અને પશુપાલકોની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રાહત અંગે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે.

રિલેટેડ ન્યૂઝ