પિંડારા ગામે શ્રાવણી અમાવસ્યાએ મલ્લ કુસ્તીનો રંગ જામ્યો

દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના કુસ્તીબાજોએ અખાડામાં બતાવ્યું કૌવત

કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામે શ્રાવણી અમાવસ્યાના પાવન અવસરે પરંપરાગત મલ્લ કુસ્તી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને જાળવી રાખતા યોજાયેલા મેળામાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કુસ્તીપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. મલ્લ કુસ્તી મેળામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, કલ્યાણપુર, ખંભાળિયા અને ભાણવડ તાલુકા ઉપરાંત જામનગર તથા પોરબંદર જિલ્લાના મલ્લ કુસ્તીબાજોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અખાડામાં એકબીજા સામે બાથ ભીડાવી મલ્લોએ પોતાની શારીરિક તાકાત અને કુસ્તીની કળાનું પ્રદર્શન કરી ઉપસ્થિત દર્શકોને રોમાંચિત કર્યા હતા. કુસ્તીના દાવપેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો અખાડાની આસપાસ એકત્ર થયા હતા અને મલ્લોને પ્રોત્સાહન આપ્યું હતું. પરંપરાગત રમત સાથે યુવાનોમાં રમતગમતની ભાવના જળવાઈ રહે તેવો માહોલ જોવા મળ્યો હતો. મલ્લ કુસ્તી મેળા ઉપરાંત આયોજકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પિંડારા સહિત આસપાસના ગામોના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મલ્લ કુસ્તી અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ