ગીર સોમનાથ જિલ્લામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ: રસ્તા પર પાણી ફરી વળ્યા

કોડીનારમાં બે ઇંચ, તાલાળામાં ચાર અને ઉનામાં પાંચ ઇંચ વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતા રસ્તામાં પાણી વહેતા થયા હતા. મગફળી, કપાસ સહિતના પાકો માં ફાયદો થતા ખેડૂતોમાં ખુશી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લામાં સૌથી વધુ કોડીનારમાં બે ઇંચ, તાલાલામાં ચાર ઇંચ અને ઉનામાં પાંચ ઈચ વરસાદ પડેલ છે.
ગીર સોમનાથ જિલ્લામાં લાંબા વિરામ પછી વરસાદનું ફરી આગમન થયું છે. વહેલી સવારથી વેરાવળ શહેર અને આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વેરાવળ અને સોમનાથ શહેરમાં સવારથી જ ઘેરા વાદળો છવાયા હતા. ત્યારબાદ ભારે વરસાદ વરસવાનું શરૂ થયું. લાંબા સમયથી વરસાદ ન હોવાથી ગરમી અને બફારાથી પરેશાન લોકોને આ વરસાદથી રાહત મળી છે. વરસાદને કારણે રસ્તાઓ ભીંજાઈ ગયા અને વાતાવરણ ખુશનુમા બન્યું છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેડૂતો આશા રાખી રહ્યા છે કે, આ વરસાદ ખેતી માટે ફાયદાકારક રહેશે. વરસાદ ના અભાવે પાકને નુકસાન થવાની ચિંતા હતી, પરંતુ હવે વરસાદ થતા પાકને ફાયદો થશે. ખાસ કરીને મગફળી, કપાસ અને અન્ય ખરીફ પાક માટે આ વરસાદ મહત્વનો માનવામાં આવે છે. વરસાદના આગમનથી વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે. સોમનાથના પવિત્ર તીર્થધામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો. વરસાદી માહોલમાં સોમનાથ મંદિર પરિસર અને શહેરનું વાતાવરણ વધુ મનમોહક બન્યું હતું. યાત્રાળુઓ અને સ્થાનિક લોકો વરસાદની મજા માણતા જોવા મળ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં આજે સવારે છ થી સાંજે આઠ વાગ્યા સુધીમાં ગીરગઢડામાં 21 મી.મી. (એક ઇચ), તાલાલામાં 85 મી.મી. (ચાર ઇચ), વેરાવળમાં 18 મી.મી. (અડધો ઇચ), સુત્રાપાડામાં 8 મી.મી., કોડીનારમાં 55 મી.મી. (બે ઇચ), ઉનામાં 113 મી.મી. (પાંચ ઇંચ) વરસાદ પડેલ હોવાનું નોંધાયેલ છે. અરબી સમુદ્રમાં તેજ પવન ફૂંકાવા અને દરિયો તોફાની બનવાની હવામાન વિભાગની આગાહી જોતા વેરાવળ બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ ફરકાવાય છે. આ સાથે બંદર સત્તામંડળ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માછીમારો માટે હાઈ એલર્ટ જાહેર કરાયું છે. બંદર તંત્રએ તમામ માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સાફ સૂચના આપી છે. સમુદ્રમાં રહેલા માછીમારી બોટો ને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે બંદરે પરત લાવવા તેમજ બંદરે ઊભેલી બોટોને મજબૂત રીતે બાંધી રાખવા અપીલ કરાઈ છે. તંત્રએ માછીમારોને હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈ જોખમ ન લેવા કહ્યું છે. હવામાન વિભાગનું અનુમાન પ્રમાણે, આગામી કલાકમાં દરિયામાં તેજ પવન સાથે ઊંચા મોજા ઉછળી શકે છે. તેનાથી નાની અને મધ્યમ કદની બોટોને વધુ જોખમ થઈ શકે છે. આ પરિસ્થિતિ જોતા બંદર પર સતત દેખરેખ રખાઈ રહી છે. જરૂરી ઈમરજન્સી વ્યવસ્થાઓ પણ તૈયાર રખાઈ છે. દર સત્તામંડળે માછીમારોને અધિકૃત હવામાન બુલેટિન અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. માછીમારો અને બોટ માલિકોને દરિયાકાંઠે બિનજરૂરી અવરજવર ટાળવા અને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના અપાઈ છે. કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર અથવા બંદર કંટ્રોલ રૂમ નો સંપર્ક કરવા પણ કહ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ બંદર રાજ્યના મહત્વના મત્સ્ય બંદરોમાં નું એક છે. દર વર્ષે ચોમાસા દરમિયાન હવામાનની ગંભીર સ્થિતિમાં ભયસૂચક સિગ્નલ લગાવી માછીમારોને સમયસર ચેતવણી અપાઈ છે. હાલ પણ સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દરિયાઈ પ્રવૃત્તિઓ પર નજર રખાઈ રહી છે. પ્રશાસને માછીમાર સમાજને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા વિનંતી કરી છે. તંત્ર દ્વારા જાહેર કરાતા સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવા પણ કહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ