મોંઘી લોનનો ડામ સહન કરવા તૈયાર થઇ જાવ: રેપો રેટ વધશે

આરબીઆઇ ઓક્ટોબરની ક્રેડીટ પોલિસી બેઠકમાં રેપોરેટ 0.25 ટકા વધારી શકે છે: જો કે એફડી કરાવનાર કે બચત ખાતા ધારકોને ફાયદો થઇ શકે

આવનારા દિવસોમાં લોન મોંઘી થઇ શકે છે. આરબીઆઇ (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા) પોતાની ક્રેડીટ પોલિસી બેઠકમાં રેપોરેટ 0.25 ટકા વધારી શકે છે. એસબીઆઇ (સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા)એ પોતાના રિપોર્ટમાં ઓક્ટોબર બાદ ડિસેમ્બરમાં પણ 0.25 ટકા વધારવાની વકીલાત કરી છે. રેપોરેટ વધવાથી ફ્લોટીંગ રેટવાળી લોનની ઇએમઆઇ (હપ્તા) વધી શકે છે, જ્યારે એફડી પર વ્યાજ દર વધવાની આશાથી રોકાણકારોને ફાયદો મળી શકે છે.
આગામી દિવસોમાં હોમ લોન અને કાર લોન મોંઘા થઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ પોતાની રિસર્ચમાં દાવો કર્યો છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટ વધારી શકે છે. રિપોર્ટ અનુસાર, આરબીઆઈ ઓક્ટોબરની ક્રેડિટ પોલિસીમાં રેપો રેટ 0.25% વધારી શકે છે. જે પછી ડિસેમ્બરમાં પણ આટલો જ વધારો થઈ શકે છે. એટલે કે, 0.50% સુધી રેપો રેટ વધી શકે છે. જો તમે 20 વર્ષ માટે 50 લાખ રૂપિયાની લોન લીધી હોય તો હાલનાં 8.25%નાં વ્યાજદર અનુસાર તમારું ઇએમઆઇ 42,603 રૂપિયા જેટલો હોઈ શકે છે. જ્યારે 0.25% રેપો રેટ વધીને વ્યાજદર 8.50% થાય તો ઇએમઆઇ વધીને 43,391 રૂપિયા થશે એટલે કે, વાર્ષિક 9,456 રૂપિયાનો વધારાનો વાર્ષિક બોજો આવશે. રેપો રેટ 0.50% વધે અને વ્યાજદર 8.75% થાય તો ઇએમઆઇ વધીને 44,186 રૂપિયા થશે, એટલે કે, વાર્ષિક 18,996 રૂપિયાનું આર્થિક ભારણ આવી શકે છે.
આરબીઆઈનાં રેપો રેટમાં વધારા કરવાની અસર લેણદારો અને બેંક એફડી કરનાર પર પડતો હોય છે. ફ્લોટિંગ રેટ પર લોન લેનારાઓ પર તેની અસર થતી હોય છે, રેપો રેટ વધે એટલે તેમની ઇએમઆઇમાં પણ વધારો થતો હોય છે. આ ઉપરાંત નવા ગ્રાહકો માટે હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન માટેનો વ્યાજદર વધી જતો હોય છે. ફિક્સ્ડ રેટની લોન લેનારને તેની અસર થતી નથી. જોકે, એફડી કરાવનાર કે બેંક સેવિંગ કરનાર લોકોને ફાયદો થતો હોય છે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધનાં કારણે 15 દિવસમાં ક્રૂડ ઓઈલની કિંમતો 100 ડોલરને પાર કરી ગઈ છે અને તે 105-123 સુધી જઈ શકે છે. ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં 90 ટકા ભાગ ધરાવતી જરૂરી સામાનની સંખ્યા જાન્યુઆરી 2026માં 22 હતી, જે જુલાઈમાં 53 થઈ ગઈ. પેટ્રોલ-ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક્સનાં ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની અસર લોકોનાં ખિસ્સા પર પડી રહી છે. આરબીઆઈને રેપો રેટ વધારવાની સલાહ મળી છે, જે અંગે દેશની પરિસ્થિતિ આધારે નિર્ણય લેવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ