અમેરિકામાં ડ્રગ્સકાંડમાં ૧૦ ગુજરાતીઓ સામેલ

પેન્સિલવેનિયામાં નશીલા પદાર્થોની હેરાફેરી તેમજ લાખો ડોલરના કથિત હવાલાના એક ખૂબ જ ગંભીર કહી શકાય તેવા મામલામાં દસ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ એટર્ની જનરલ ઓફિસના જણાવ્યા અનુસાર આરોપીઓ મોટાપાયે નાર્કોટિક્સ ટ્રાફિકિંગની પ્રવૃત્તિ ચલાવતા હતા જેની સામે છેક ડિસેમ્બર 2024થી તપાસ ચાલી રહી હતી. આ કેસમાં જે દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં ધર્મેશ પટેલ, મિતુલ પટેલ, અંકિત પટેલ, કેતન પટેલ, રોશની પટેલ, પલક પટેલ, દિવ્યેશ પટેલ, નિરવ પટેલ, માધવ પટેલ અને એલ્બિના પટેલનો સમાવેશ થાય છે. અમુક આરોપી ચરોતરના હોવાનું પણ કહેવાઈ રહ્યું છે જે ઘણા લાંબા સમયથી આ બેનંબરી ધંધો કરી રહ્યા હતા જેમાં તેમણે ખૂબ જ મોટી કમાણી કરી હોવાની ચર્ચા છે. આ દસ સિવાય બીજા ત્રણ લોકોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી શકે છે. વેસ્ટમોરલેન્ડ કાઉન્ટીમાં તેમની સામે ટોળકી બનાવી નશીલા પદાર્થોની હેરાફેરી બાબતે કરપ્ટ ઓર્ગેનાઈઝેશન્સ, ડિલિવરી ઓફ અ કંટ્રોલ્ડ સબસ્ટનસ અને પઝેશન વીથ ઈન્ટેન્ટ ટુ ડિલિવરના ચાર્જિસ લગાવવામાં આવ્યા છે. આ કેસની
તપાસ કરનારી એજન્સીઓના જણાવ્યા અનુસાર વેસ્ટમોરલેન્ડ
અને અલીઘેની કાઉન્ટીમાંથી આ ગેંગ ઓપેરટ કરતી હતી તેમજ પેન્સિલવેનિયામાં તેમના ત્રણેક વેરહાઉસ આવેલા હતા જ્યાંથી સમગ્ર સ્ટેટમાં પ્રોડક્ટ્સ વેચવામાં આવતી હતી. લોકલ વેપ શોપ્સથી આ પ્રોડક્ટ્સ સ્કૂલમાં ભણતા બાળકો સુધી પહોંચી જતી હતી તેવું પણ પોલીસનું કહેવું છે. કોર્ટ રેકોર્ડ્સ અનુસાર આરોપીઓ સામે નશીલા પદાર્થના વેચાણ અને ડિસ્ટ્રિબ્યૂશનની સાથે-સાથે લાખો ડોલરના હવાલા કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ દરમિયાન વેસ્ટમોરલેન્ડ કાઉન્ટીમાં રહેતી એક મહિલાએ ગ્રાન્ડ જ્યુરી સમક્ષ ગયા વર્ષે આપેલી ગવાહીમાં જણાવ્યું હતું કે એક લોકલ વેપ શોપમાંથી ખરીદેલી લેસ્ડ કેન્ડી ખાઈ જતાં તેની ચાર વર્ષની દીકરીને હોસ્પિટલાઈઝ કરવી પડી હતી.

રિલેટેડ ન્યૂઝ