મોપેડ પર વિદેશી દારૂના થેલા લઈ જતા બે શખ્સ ઝડપાયા, 610બોટલ સહિત રૂ.1.52 લાખનો મુદ્દામાલ કબજે
ઉના નજીક વાંસોજની દરિયાઈખાડીવિસ્તારમાંપોલીસે કાર્યવાહી કરી મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને પાસેથી વિદેશી દારૂની કુલ 610 બોટલ તેમજ હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ મોપેડ મળી કુલ રૂ.1,52,150નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને બાતમી મળી હતી કે વાંસોજની દરિયાઈ ખાડી વિસ્તારમાં મોપેડ મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ રીતે મોપેડ પર થેલા લઈ જતા બે શખ્શો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.પોલીસે બંનેને અટકાવી મોપેડ તથા સાથેના થેલાઓની તપાસ કરતાં તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. તપાસદરમિયાનપોલીસે અક્ષયભાઈ મોડાસીયા અને રોહિતભાઈ બાંભણીયાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે કરેલી કાર્યવાહીમાં કુલ 610 બોટલ વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો.જેમા વિવિધ બ્રાન્ડની બોટલનો સમાવેશ થાય છે.કબજે કરાયેલા વિદેશી દારૂની અંદાજિત કિંમત રૂ.1,02,150 હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ મોપેડની કિંમત આશરે રૂ.50,000 ગણવામાં આવી છે. આમ, પોલીસે દારૂ તથા વાહન સહિત કુલ રૂ.1,52,150નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બંને શખ્સોને કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, હેરાફેરી પાછળ કોણ સંકળાયેલું છે અને દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.
વાંસોજની દરિયાઈ ખાડી જેવા વિસ્તારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતા પોલીસે દારૂની હેરાફેરીના નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. બંને આરોપીઓ પાસેથી મળેલા દારૂના જથ્થા અંગેની કડી જોડવા તેમજ આ પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
