પાટડી પંથકના વાલેવડા ગામમાં આવેલા ત્રણ મંદિરોમાં ચોરી થઈ છે. ખોડિયાર માતાજીના મંદિરમાંથી 17 ચાંદીના છતર, ચામુંડ માતાજીના મંદિરમાંથી 11 અને મેલડી માતાજીના મંદિરમાંથી 6 ચાંદીના છતર ચોરાયા છે. કુલ 34 ચાંદીના છતર ચોરાયા છે, જેની કિંમત 45,000 રૂપિયા આંકવામાં આવી છે. આ અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ચોરી થયેલા મંદિરોમાં વાલેવડા ગામના કિરણ સુખા વાઘેલાના કુટુંબના ખોડિયાર માતાજીના મઢમાંથી 17 ચાંદીના છતર ચોરાયા છે. લાલજીભાઈ હજુરભાઈ કલાડીયાના ચામુંડ માતાજીના મઢમાંથી 11 ચાંદીના છતર અને નખાજી રેવાજી નદીસારીયાના કુટુંબના મેલડી માતાજીના મઢમાંથી 6 ચાંદીના છતરની ચોરી થઈ છે. દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ વી.આઈ. ખડીયા આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.
આ ચોરીની ઘટનામાં એક મહત્વની જાણકારી સામે આવી છે. વાલેવડા ગામની મહિલા જ મંદિરમાંથી ચોરી કરતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજ મળ્યા બાદ આ મહિલા વિરુદ્ધ દસાડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે. આ પહેલા પણ પાટડી પંથકમાં ચોરીની ઘટનાઓ બની છે. પાટડી ચાર રસ્તે આવેલા સેધોય માતાજીના મંદિરની દાનપેટી તોડીને રોકડ રકમ ચોરાઈ હતી.
નાના ગોરૈયા ગામના ગઢીયા હનુમાનજી મંદિરમાંથી હનુમાનજી દાદાનો મુગટ, એક મોટું ચાંદીનું છત્ર, પાંચ નાના છત્ર, બે હાથના કુડા, એક પગના તોડા અને બે કાનના કુંડળ ચોરાયા હતા. આ ઉપરાંત, દાનપેટીમાંથી આશરે 5,000 રૂપિયા રોકડા પણ ચોરાયા હતા. કુલ 750 ગ્રામ ચાંદીના આભૂષણો અને રોકડ મળીને 1,30,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી.
