અણધડ વહીવટ, આપખુદ શાહીથી નિર્ણય લેતા હોવાનો આક્ષેપ
વિસાવદર નગરપાલિકામાં પ્રમુખ સામે પક્ષનાજ 17 સભ્યોએ અવિશ્ર્વાસની દરખાસ્ત કરતા રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. પ્રમુખ સામે અણધડ વહીવટ અને આપખુદ શાહીથી નિર્ણય લેવાતા હોવાનો આક્ષેપ કરતા ચકચાર મચી છે.
વિસાવદર નગરપાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નગરપાલિકાના પ્રમુખ દયાબેન સોલંકી સામે સ્થાનિક સભ્યોએ બળવો પોકારીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અણધડ વહીવટ અને આપખુદશાહીથી નિર્ણય લેવાતા હોવાના ગંભીર આક્ષેપો સાથે 17 જેટલા ચૂંટાયેલા સભ્યોએ એકજૂથ થઈને આ અવિશ્વાસની દરખાસ્ત પર સહીઓ કરી છે.
નગરપાલિકાના ભાજપના જ ઉમેદવારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પ્રમુખની કામગીરી સામે લાંબા સમયથી ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો હતો. પ્રમુખ દ્વારા મનસ્વી રીતે અને સભ્યોને વિશ્વાસમાં લીધા વિના આપખુદશાહીથી નિર્ણય લેવામાં આવતા હોવાનો સભ્યોએ અનુમાન અને આક્ષેપ વ્યક્ત કર્યો છે.
દયાબેન સોલંકીને પ્રમુખ પદેથી પદભ્રષ્ટ કરવા માટે વિરોધી જૂથ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. એક મજબૂત જૂથે દાવા સાથે આગળ આવીને નવી વ્યૂહરચના ઘડી કાઢી છે અને સભ્યોને એકત્રિત કરી સહી ઝુંબેશ ચલાવી અવિશ્વાસની નોટિસ ચીફ ઓફિસર/સંબંધિત અધિકારીને સુપ્રત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
આગામી દિવસોમાં વિસાવદરના રાજકારણમાં ભારે હલચલ અને ગતિવિધિઓ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. 14 ભાજપના શાસકપક્ષના સભ્યો તથા 3 કોંગ્રેસ પક્ષના સભ્યો સહિત ના 17 સભ્યોનું સમર્થન ધરાવતું આ જૂથ નેતૃત્વ પરિવર્તનના સ્પષ્ટ એંધાણ આપી રહ્યું છે, જેનાથી આગામી સમયમાં નગરપાલિકાના પ્રમુખ સ્થાને નવા ચહેરાની વરણી થાય તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે.
