કલ્યાણપુર વિસ્તારમાં ગતરાત્રે સ્થાનિક પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં મોડી રાત્રીના સમયે કલ્યાણપુરના હેડ કોન્સ્ટેબલ નારણભાઈ દેથરીયા અને નિલેશભાઈ ગોજીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર નજીકના પટેલકા ગામે આવેલી રોજી વાડી વિસ્તારમાં રહેતા રામદે મુરુ કરંગીયા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીએ આવેલા મકાનમાં બહારથી માણસો ભેગા કરી, જુગાર રમવાના સાધનોની સુવિધા પૂરી પાડીને તેના બદલામાં નાલ ઉઘરાવીને ચલાવાતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરી હતી.
આ સ્થળેથી પોલીસે રામદે મુરુ કરંગીયા, યુનુસ કાદુ બ્લોચ, રામા ભીખા વેસરા, પરબત બોદાભાઈ ચીરોડીયા, તુલસી જેન્તી સોલંકી અને માંડણ રણમલ બુચડ નામના છ શખ્સોને દબોચી લીધા હતા.
આ દરોડા દરમિયાન પોલીસે રૂ. 38,500 ની રોકડ રકમ, રૂ. 1.05 લાખની કિંમતના ત્રણ મોટરસાયકલ અને રૂ. 20,000 ની કિંમતના ચાર મોબાઈલ ફોન કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
