60 ગામના જ્ઞાતિજનો ગરબે ઘુમી માતાજીની આરાધના કરશે
ધર્મનું વેચાણ ન કરવાનું હોય, આપણી સંસ્કૃતિ દીકરીઓને પૈસા આપવાની છે, બહેનો પાસેથી માતાજીની આરાધના અને રાસ-ગરબા રમવાના પૈસા લેવા એ એક પ્રકારનો અધર્મ છે. કંઈક આવી લાગણી સાથે ઈતિહાસમાં સૌપ્રથમ વખત ભેસાણમાં સમસ્ત લેઉવા પટેલ સમાજ માટે વિનામૂલ્યે અર્વાચીન રાસ-ગરબા થનગનાટ-2026નું આયોજન કરાયું છે.
ભેસાણ-જૂનાગઢ રોડ પર સુખપુર ગામના પાટિયે મલ્હાર રિસોર્ટમાં તા.11થી 19 ઓક્ટોબર દરમિયાન ભેસાણ તાલુકા લેઉવા પટેલ સમાજ દ્વારા થનગનાટ-2026 રાસ-ગરબાનું આયોજન કરાયું છે. હરસુખભાઈ વઘાસિયાએ આ અંગે વિગતો આપતા વધુમાં જણાવ્યું છે કે, માતાજીની ભક્તિસભર ઉપાસનાના આ પર્વમાં ભેસાણ તાલુકાના 37, જૂનાગઢ તાલુકાના 12-14 અને જેતપુર તાલુકાના 8થી વધુ મળીને કુલ 60 ગામના લોકોને આમંત્રણ આપવામાં આવ્યા છે. દીકરીઓ શાંત અને સલામત વાતાવરણ તથા પારિવારિક માહોલમાં નિશ્ચિંત બનીને રાસ-ગરબા માણી શકે તેવું આ આયોજન અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા યુવા આગેવાન ભુપતભાઈ ભાયાણી, વિજેશભાઈ માલવિયા, નીતિનભાઈ રાણપરીયા, સુરેશભાઈ સાવલિયા, પ્રદિપભાઈ કાનપરીયા, ભીખુભાઈ વધાસિયા, નવનીતભાઈ માથુકિયા, ધનશ્યામભાઈ સાખરેલિયા, ધનશ્યામભાઈ ભાયાણી વગેરે તેમજ ગામના યુવાનો અને સમસ્ત જ્ઞાતિજનો જહેમત ઉઠાવી રહ્યા છે.
