એસપી જયદીપસિંહ જાડેજાની સ્પષ્ટ ચેતવણી નિયમો થી વધુ વ્યાજ વસૂલનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે: ફરિયાદોની નિષ્પક્ષ તપાસ બાદ જ ન્યાય અપાશે, ઉના-ગીરગઢડાના વ્યાજથી પીડિતોને સાંભળ્યા
ગીર સોમનાથ જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને ડામવા જિલ્લા પોલીસ દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. તેના ભાગરૂપે બુધવાર, તા14 ઓક્ટોબરના ઉના પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજા ના અધ્યક્ષસ્થાને વ્યાજખોરી વિરુદ્ધ લોક દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં ઉના અને ગીરગઢડા તાલુકામાંથી વ્યાજખોરીને લગતી કુલ ચાર ફરિયાદો મળી હતી. જિલ્લા પોલીસવડાએ ફરિયાદી ઓને સાંભળીને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા પોલીસ અધિકારી ઓને સૂચના આપી હતી. લોક દરબારને સંબોધતા એસપી જયદીપસિંહ જાડેજા એ વ્યાજના દર અને ફરિયાદોની કાયદેસરતા અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, વ્યાજખોરી સામેની કાર્યવાહી માટે સ્પષ્ટ નીતિ અને કાયદાકીય જોગવાઈ ઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. નાના વર્ગના લોકો, વેપારીઓ તેમજ મોટા ધંધાર્થીઓ પોતાની જરૂરિયાત મુજબ વ્યાજે નાણાં લેતા હોય છે, પરંતુ નાણાં ધીરનાર વ્યક્તિ કાયદાની મર્યાદામાં રહીને જ વ્યાજ વસૂલી શકે છે. તેમણે માસિક દોઢ ટકા અને વાર્ષિક 18 ટકા વ્યાજના દરનો ઉલ્લેખ કરીને નિયમોથી વધુ વ્યાજ વસૂલવાની બાબતે કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવા જણાવ્યું હતું. એસપીએ વધુમાં જણાવ્યું હતું કે, વ્યાજખોરો સામે ફરિયાદ કરવી હોય તો તે હકીકતો અને પુરાવા આધારિત હોવી જરૂરી છે. કેટલાક કિસ્સાઓમાં લોકો વ્યાજે નાણાં લીધા બાદ પરત ચૂકવવાની માનસિકતા રાખતા નથી અને ત્યારબાદ ખોટી રીતે ફરિયાદ કરતા હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં. તેથી પોલીસ દરેક ફરિયાદની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરશે.તપાસ માં જે હકીકત સામે આવશે તેના આધારે કાયદામુજબ કાર્યવાહી કરીને ન્યાય અપાશે. તેમણે વ્યાજના બોજા હેઠળ દબાયેલાઅનેવ્યાજખોરો ની કનડગતથી પરેશાન લોકોને ડર્યા વિના પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી. વ્યાજખોરીના કારણે કોઈવ્યક્તિ માનસિક તણાવમાં હોય અથવા તેનેધમકી, દબાણ કે હેરાનગતિનો સામનો કરવો પડતો હોય તો પોલીસ સમક્ષ પોતાની રજૂઆત કરી શકે છે. આવી ફરિયાદોને ગંભીરતાથી લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લામાં વ્યાજખોરીને ડામવા અગાઉ કોડીનાર ખાતે પણ જિલ્લા પોલીસવડા દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. હવે આગામી દિવસો માં તાલાલા અને સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં પણ લોક દરબાર યોજવાનું આયોજન છે. આ પહેલનો હેતુ વ્યાજખોરીથી પીડિત લોકોને પોતાની ફરિયાદ રજૂ કરવા માટે યોગ્ય મંચ પૂરો પાડવાનો અને કાયદા અંગે જાગૃતિ લાવવાનો છે. આ લોક દરબારમાં ડીવાયએસપી મહાદેવ ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્યના પ્રતિનિધિ રાહુલભાઈ બાંભણિયા, મિતેષભાઈ શાહ, રાધેભાઈ, રસિકભાઈ ચાવડા, યુસુફભાઈ તવવકલ, માસુમભાઈ કાશમાણી અને અબાસભાઈ સુમરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વેપારીઓ, સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. ઉના પીઆઈ જાડેજા, એસઓજી અને એલસીબીના પોલીસ અધિકારીઓ તેમજ ઉના, નવાબંદર અને ગીરગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.લોક દરબારના અંતે જિલ્લા પોલીસવડાએ વ્યાજખોરી સામે કાયદેસરની લડત માટે નાગરિકોને આગળ આવવા અપીલ કરી હતી. સાથે જ ફરિયાદોની યોગ્ય તપાસ કરીને સાચાહકીકતઆધારિત કેસોમાં કાયદા મુજબ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
