મુંબઈ અને વેરાવળના બે શખ્સોની શોધખોળ
વેરાવળ શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી એમ્ફેટામિન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. એન્ટી નાર્કોટિક્સ વિંગ અને એસઓજી ની સંયુક્ત ટીમે દરોડા દરમિયાન એક શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે ડ્રગ્સ, મોબાઇલ ફોન, ઓટોરિક્ષા સહિત કુલ રૂા.6,32,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં મુંબઈ અને વેરાવળના બે શખ્સોને પકડવાના બાકી છે.
તા.12 ઓક્ટોબરના એન્ટી નાર્કોટિક્સ વિંગ અને એસઓજી ને મળેલી બાતમીના આધારે વેરાવળ બસ સ્ટેશન સામે આવેલા શક્તિ મોલની પાછળ, સાંગાણી હોસ્પિટલ વાળી ગલીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન વેરાવળમાં સોમનાથ ટોકીઝ વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવિંગના વ્યાવસાય સાથે સંકળાએલો 39 વર્ષીય અલારખા ઇબ્રાહીમ કેસરીયા પાસેથી નેટ વજન 57.65 ગ્રામ એમ્ફેટામિન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આ ડ્રગ્સની કિંમત રૂા.5,76,500 આંકી છે અને અલારખા કેસરીયાની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ ઉપરાંત પોલીસ ને બે પારદર્શક પ્લાસ્ટિકની કોથળીઓ, પાર્સલ ના કાગળો, લેડીઝ ડ્રેસ, એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને એક ઓટોરિક્ષા મળી આવ્યાં હતાં. પોલીસે આ તમામ વસ્તુઓ કબજે કરીને કુલ રૂા.6,32,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં મુંબઈ ના ડોંગરી વિસ્તારમાં રહેતા મોસીન યુસુફ તુર્ક અને વેરાવળની બાગે યુસુફ કોલોનીમાં રહેતા તોસીફ ઉર્ફે જીવાત મલેક ને પકડવાના બાકી હોવાનું પોલીસ ની યાદીમાં જણાવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ માદક પદાર્થનો જથ્થો પોતાના કબજામાં રાખીને છૂટક વેચાણ કરતા હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ બનાવ અંગે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ગઉઙજ એક્ટની કલમ 8(ઈ), 22(ઈ) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતનાં પાસાં ઓ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
