દૃેશભરમાં વ્યાપારી સહિતના વર્ગમાં સર્જાયેલા વિરોધનો પડઘો
તહેવારો સમયે તાત્કાલીક સીસ્ટમ પર મોટી અસર થઈ શકે તેમ હતી: લાગુ કરવાની નવી તારીખ હવે જાહેર થશે
નવી દિલ્હી: દેશમાં ઓનલાઈન પેમેન્ટમાં અત્યંત લોકપ્રિય બનેલી યુપીઆઈ સેવામાં રૂા.2000થી ઉપરના વ્યવહારો પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ- (એનડીઆર) તા.15થી લાગુ કરવાનો નિર્ણય હવે દિપાવલી સુધી મુલત્વી રખાયા છે. જો કે આ ચાર્જ કયારે હવે લાગુ થશે તેની કોઈ ચોકકસ તારીખ આપવામાં આવી નથી. પરંતુ દિપાવલી બાદ આ નિર્ણય લેવાશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાની આ અંગે સંબંધીત પક્ષકારો, બેન્કો, યુપીઆઈ એપ. સાથે બેઠક યોજી હતી. જેમાં દેશભરમાંથી જે રીતે વ્યાપાર-ઉદ્યોગ સંગઠન દ્વારા આ પ્રકારના ચાર્જ તાત્કાલીક લાગુ કરવાના નિર્ણયમાં ઉતાવળ નહી કરવા માટે અનુરોધ કર્યો હતો તથા તા.15ના રોજ ચાર્જ લાગુ થવા પર કોઈ મિકેનીઝમ પણ નિશ્ર્ચિત નહી હોવાથી તેના અમલમાં અનેક પ્રશ્ર્નો સર્જાઈ શકે તેમ હતા. જે અંગે પણ સરકાર દ્વીધામાં હતી અંતે સરકારે હાલ પણ ચાર્જ નહી વસુલવા નિર્ણય લીધા છે. આ અગાઉ પેટ્રોલિયમ ડીલર એસો.એ તા.15થી લાગુ થનારા ચાર્જથી તેઓના સાંકડા માર્જીન પર અસર થશે તેવી દલીલ સાથે દેશભરમાં તમામ પેટ્રોલ પંપ પર યુપીઆઈ પેમેન્ટ સીસ્ટમ જ બંધ કરવાની એટલે કે તે મારફત પેમેન્ટ નહી લેવાની જાહેરાત કરી હતી તથા વિવિધ વ્યાપારી સંગઠનોએ તા.2 ઓકટો.ના નો-યુપીઆઈ ડે મનાવી સરકારને સંદેશ આપી દીધો હતો.
સરકારે આ પ્રકારના પેમેન્ટમાં ગ્રાહક એટલે કે પેમેન્ટ કરનારને કોઈ ચાર્જ લાગશે નહી પણ મર્ચન્ટ એટલે કે વ્યાપારી-બેન્કો તથા પેમેન્ટ એપ. વચ્ચે અલગ અલગ ટકાવારીએ આ ચાર્જ વસુલાશે તેવી ફોર્મ્યુલા ઘડી હતી પણ વ્યાપારીઓને ફોર્મ્યુલા તૈયાર ન હતા અને આ પેમેન્ટ સિસ્ટમ જ તૂટી પડે તેવી ચિંતા હતી. ખાસ કરીને દિવાળી સહિતના તહેવારોમાં જે રીતે બજારોમાં જબરી ખરીદી હોય છે તેથી આ વિવાદ મોટી અસર કરે તેવી પણ શકયતા હતી તેથી સરકારે આ નિર્ણય માટે જણાવ્યું હોય તેવા સંકેત છે.
