જામનગર જિલ્લાના લાલપુર ના કાનાલુસ થી પોરબંદર વચ્ચે દોડતી લોકલ ટ્રેન મંગળવારે બપોરે ગોપ રેલવે સ્ટેશન જવા માટે લાલપુરથી રવાના થયા પછી સણોસરી ગામની સીમમાં રેલવે ટ્રેક પર લોખંડનો મોટો ટૂકડો જોવા મળ્યો હતો. આ ટૂકડો એક ટ્રેનના એન્જિનની ટક્કરથી સાઈડમાં પડી ગયો હતો. ટ્રેન સ્થળ પર થંભાવી દેવાઈ હતી. આ રીતે રેલવે ટ્રેક પર લોખંડના ટુકડાની આડશુ મૂકી ને અકસ્માત સર્જાય તેવું કૃત્ય કરનાર શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના લાલપુરના કાનાલુસ રેલવે સ્ટેશન થી પોરબંદર વચ્ચે દોડતી 59205 નંબરની ટ્રેન મંગળવારે બપોરે કાનાલુસ થી રવાના થઈ તે પછી સણોસરી ગામની સીમમાં પહોંચી તે દરમિયાન રેલવે ટ્રેક પર ત્રણેક ફૂટ નો મીટર ગેજ નો લોખંડનો કટકો જોવા મળ્યો હતો. આ કટકો ટ્રેક પરથી ટ્રેનના એન્જિનની ઠોકરે ચડ્યા પછી પડી ગયો હતો. તે કટકો નીહાળ્યા પછી લોકોપાયલોટે ટ્રેન થંભાવી હતી અને રેલવે પોલીસ તથા સ્થાનિક પોલીસને તેની જાણ કરી હતી. દોડી આવેલી પોલીસ ટીમે કાનાલુસ-પોરબંદર ટ્રેનને અવરોધ થાય તથા ટ્રેન તેમજ મુસાફરોને હાની પહોંચાડવાના ઈરાદાથી લોખંડનો આ કટકો ટ્રેક પર મૂકવા અંગેનો ગુન્હો નોંધ્યો છે.
લાલપુર પોલીસ મથકમાં રેલવે કર્મચારી રાજેશ આર. મીના ની ફરિયાદ પર થી રેલવે અધિનિયમ, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધી ઈન્ચાર્જ પીઆઈ એ.જી. જાડેજાએ તપાસ શરૂ કરી છે.
