બન્ને વચ્ચે સામસામી પોલીસ ફરિયાદ
ભાવનગરમાં પ્રેમસંબંધ અને લગ્નના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. યુવતી દ્વારા યુવક સામે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યાનો તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાન અને મારામારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફ યુવકના પરિવારે પણ બે યુવતીઓ સામે ઘરમાં ઘૂસી ઝઘડો, મારામારી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને પક્ષોની અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પીડિત યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વિરાજ ઝાલા નામના શખસે શરૂઆતમાં પોતાનું નામ ચિરાગ ઝાલા જણાવી ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કેળવી હતી. બાદમાં બંને વચ્ચે નજીકતા વધતાં આશરે છ મહિના પહેલાં યુવકે નિલમબાગ પોલીસ મથક વિસ્તારમાં અલગ-અલગ હોટેલોમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીનો આક્ષેપ છે કે યુવકે લગ્ન કરવાની ખાતરી આપી હતી, પરંતુ બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
આ બનાવને પગલે યુવતી કાળિયાબીડ વિસ્તારમાં આવેલા યુવકના નિવાસસ્થાને પહોંચી હતી. ત્યાં યુવકની માતા અને બહેન સાથે વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો. યુવતીના જણાવ્યા અનુસાર, તેને જ્ઞાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી મારામારી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે યુવક સામે એટ્રોસિટી એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બીજી તરફ, કાળિયાબીડ સ્થિત નક્ષત્ર ફ્લેટમાં રહેતી અને યુવકની બહેન પ્રાપ્તિબેન ગોહિલે પણ બે યુવતીઓ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત રાત્રે તેઓ પોતાના માતાને મળવા પિયરે આવ્યા હતા ત્યારે ફ્લેટના સિક્યુરિટી ગાર્ડે જાણ કરી હતી કે પાર્કિંગમાં બે યુવતીઓ તેમના ભાઈને ગાળો આપી રહી છે. પરિવારજનો નીચે પહોંચતા યુવતીઓએ પોતે વિરાજની ગર્લફ્રેન્ડ હોવાનું કહી લગ્ન કરવાની જીદ પકડી હતી.
ફરિયાદ મુજબ, યુવતીઓ પાસે તેમના પરિવારજનોના સંપર્ક નંબર માંગતા બંને ઉશ્કેરાઈ ગઈ હતી અને ફરિયાદી મહિલા તથા તેમની વૃદ્ધ માતા સાથે ઝપાઝપી કરી હતી. ધક્કામુક્કીમાં બંનેને ઈજા પહોંચી હતી તેમજ ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ મામલે પોલીસે બંને યુવતીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352, 351(3), 314 અને 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
