જામનગરના તમાચણ રેલવે ફાટકે ગેટ કિપર ઉપર હુમલો, ઓફિસમાં તોડફોડ

મારે ઉતાવળ છે, ફાટક ખોલ કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

જામનગર તાલુકાના તમાચણ ગામ પાસે આવેલી રેલવે ફાટક પર ફરજ બજાવી રહેલા ગેટકીપર પર થાર કારના ચાલકે હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. એટલું જ નહીં આરોપીએ રેલવે ઓફિસમાં તોડફોડ કરી સરકારી મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
ફરિયાદી અમરસિંહ પ્યારેલાલ મીણા (ઉ.વ. 31), રેલવે ગેટકીપર તરીકે ફરજ બજાવે છે. તેઓ તા.09/05/2026ના રોજ બપોરે આશરે 2:20 વાગ્યે તમાચણ ગામની રેલવે ફાટક ખાતે ફરજ પર હાજર હતા. દરમિયાન ટ્રેન આવવાની હોવાથી તેમણે નિયમ મુજબ રેલવે ફાટક બંધ કર્યું હતું તે સમયે થાર કાર નં. જી.જે. -3 એન.પી. 5930નો ચાલક ત્યાં આવ્યો હતો અને કાર ઊભી રાખી ગેટકીપરની ઓફિસમાં ઘૂસી ગયો હતો. આરોપીએ મારે ઉતાવળ છે, ફાટક ખોલ કહી દબાણ કર્યું હતું. પરંતુ ટ્રેન પસાર ન થાય ત્યાં સુધી ફાટક ખોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.
આરોપીએ ગેટકીપરને ગાળો બોલી તેમના મોઢા પર ઝાપટ મારી હતી તેમજ ડાબા હાથમાં નખ ભરાવી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ઓફિસમાં રહેલો ટેલિફોન તોડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરાંત ગેટકીપરને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી.
સમગ્ર બનાવ અંગે પંચકોષી એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ એસજી જાડેજાએ થાર કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ