જામનગરના કાર ચાલક સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં માર્ગ અકસ્માતની એક કરૂણ ઘટનામાં ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા જવાનનું મૃત્યુ નીપજતાં ભારે અરેરાટી ફેલાઈ છે. પોલીસ દ્વારા કારચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, સણોસરી ગામના રહેવાસી અને લાલપુર વિભાગમાં ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા નાથાભાઈ હાજાભાઈ સાગઠીયા (ઉ.વ. 58) તા. 20 જૂન, 2026 ના રોજ પોતાની મોટરસાયકલ લઈને બેંકના કામ માટે લાલપુર ગયા હતા. બપોરે તેઓ લાલપુરથી પોતાના ગામ સણોસરી પરત ફરી રહ્યા હતા ત્યારે ભણગોર ગામ નજીક રણુંજાધામ મંદિરના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. મૃતકના પુત્ર રાજેશભાઈ નાથાભાઈ સાગઠીયાની ફરિયાદ અનુસાર, બપોરના સમયે તેમના કાકા હરેશભાઈ હીરાભાઈ સાગઠીયાએ ફોન કરીને નાથાભાઈને અકસ્માત નડ્યાની જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચતા નાથાભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં રસ્તા પર પડેલા જોવા મળ્યા હતા. ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું કે સફેદ રંગની એર્ટિગા કાર નં. ચાલકે પુરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી પાળથી મોટરસાયકલને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નાથાભાઈ ફંગોળાઈ જઈ કારના કાચ સાથે અથડાયા બાદ નીચે પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા નાથાભાઈને લાલપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને પગલે મૃતકના પુત્ર રાજેશભાઈ સાગઠીયાની ફરિયાદના આધારે પોલીસે જામનગરના રહેવાસી અસલમભાઈ અમીરઅલી આડતિયા સામે બેદરકારી અને ગફલતભરી રીતે કાર હંકારી અકસ્માત સર્જી નાથાભાઈનું મોત નિપજાવવાના ગુનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
