જામજોધપુરના મોટી ગોપ પાસેથી 588 નંગ દારૂની બોટલ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ

પોલીસે 18.94 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બુટલેગરની શોધખોળ હાથ ધરી

જામજોધપુર પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ દરમિયાન મોટી ગોપ ગામ નજીક કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂથી ભરેલી સ્કોર્પિયો કાર ઝડપી પાડવામાં આવી છે. પોલીસે કારમાંથી રૂ. 2.94 લાખની કિંમતની દારૂની 588 બોટલ નો જથ્થો અને કાર કબજે કર્યા છે. જોકે, પોલીસને જોઈ કાર ચાલક અંધારા નો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.
પોલીસ ફરિયાદ મુજબ, પોલીસ સ્ટાફ શનિવારની મોડી રાત્રે નાઈટ કોમ્બિંગમાં હતો. દરમિયાન રાત્રે આશરે ત્રણ વાગ્યે બાતમી મળી હતી કે ગોપ પાટિયા તરફથી જીણાવારી ગામ થઈ ધ્રાફા તરફ કાળા રંગની સ્કોર્પિયો કાર નંબર જી.જે. -8- ડી.જી. 0004 માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે મોટી ગોપ ગામ નજીક જીણાવારી રોડ પર વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ શંકાસ્પદ સ્કોર્પિયો કાર આવતાં ચાલકે દૂરથી પોલીસનાં વાહનો જોઈ કાર ગોપનાથ મહાદેવ મંદિર તરફ હંકારી મૂકી હતી. પોલીસે પીછો કરતાં ચાલકે ગોપ ડુંગર તરફ જતા માર્ગ પર અવાવરું સ્થળે કાર ઊભી રાખી બાવળની જાળીઓમાં નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તપાસ કરતાં કારમાં દારૂની પેટીઓ ભરેલી જોવા મળી હતી. કારમાંથી કુલ 588 બોટલ દારૂ મળી આવતા કબજે કરવામાં આવ્યો હતો. દારૂની કુલ કિંમત રૂ. 2.94 લાખ તથા સ્કોર્પિયો કારની કિંમત રૂ. 16 લાખ મળી પોલીસે કુલ રૂ. 18.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ફરાર કારચાલક તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર અજાણ્યા શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ જામજોધપુર પોલીસ ઇન્સ્પેક્ટર એન બી ચૌહાણ ચલાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ