ચેક રિટર્ન કેસમાં ઉના કોર્ટનો મહત્વનો ચુકાદો: આરોપીને એક વર્ષની કેદ ફરિયાદીને રૂ. 8.07 લાખ વળતર ચૂકવવાનો આદેશ

ઉનાની સેક્ધડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે ચેક રિટર્નના એક મહત્વના કેસમાં આરોપીને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ ફરિયાદીને રૂ. 8,07,000નું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે.
મળતી માહિતી મુજબ, ઉનાના સદગુરુ સ્ટીલ ટ્રેડર્સના પ્રોપ્રયટર કેતનકુમાર રતીલાલ દેસાઈએ ધોકડવાના ગુરુકૃપા સ્ટીલના પ્રોપ્રયટર કરશનભાઈ શકુરભાઈ ગુર્જર સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ અનુસાર, લોખંડના ખીલાસરી અને સિમેન્ટના વેપારના વ્યવહારમાં બાકી રહેલી રકમ પેટે આરોપીએ રૂ. 8,07,000નો ચેક આપ્યો હતો. જોકે, ચેક બેંકમાં રજૂ કરતાં તે અનાદર (ચેક રિટર્ન) થયો હતો. ત્યારબાદ કાયદેસરની નોટિસ પાઠવવા છતાં આરોપીએ ચુકવણી ન કરતાં ફરિયાદી દ્વારા અદાલતનો દરવાજો ખટખટાવવામાં આવ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા દસ્તાવેજી પુરાવા અને બંને પક્ષની દલીલોને ધ્યાને લઈ અદાલતે આરોપી કરશનભાઈ શકુરભાઈ ગુર્જરને દોષિત જાહેર કર્યો હતો. અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે તેમજ ફરિયાદીને રૂ. 8,07,000 વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. જો આરોપી વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેને વધુ બે માસની સાદી કેદ ભોગવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.
આ કેસમાં ફરિયાદી તરફેથી ઉનાના સિનિયર એડવોકેટ ભરત બી. સોલંકી તેમજ એડવોકેટ પ્રશાંત વી. સોલંકી, રવિ આર. સોલંકી, કર્મેશ બી. સોલંકી અને વી. પી. ડાંગોદરાએ સફળતાપૂર્વક પેરવી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ