હોટલમાંથી પાંચ નમુના લેવાયા અને હોટેલ બંધ કરાવાઈ
જામનગરના બેડી વિસ્તારમાં નોનવેજ આરોગ્યા પછી ફૂડ પોઈઝનીંગની અસર થતા 50 થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. તંત્ર દ્વારા હાલ નમુના લેવાયા છે. અને દુકાનમાં વેંચાણ બંધ કરાવાયું છે.
જામનગર બેડી વિસ્તારમાં એક નોનવેજ ના વેંચાણ કરનારને ત્યાં કેટલાક લોકોએ નોનવેજ નું ભોજન કર્યું હતું, અમુક લોકો ત્યાંથી પાર્સલ લઈ ગયા હતાં અને પોતાના ઘરે નોનવેજ આરોગ્યું હતું. થોડા સમય પછી 7 ની તબિયત બગડતા સારવાર માટે લઈ જવાયા હતાં. આ પછી ગઈકાલે દિવસ દરમિયાન 45 થી વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર થતા તેમને જી.જી. હોસપિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં, જેમાંથી અમુકને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટૂકડી પણ ગઈકાલે સંબંધિત વિસ્તારમાં પહોંચી હતી અને જરૂરી કામગીરી કરી હતી.
બીજી તરફ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમ પણ જે તે વિસ્તારમાં પહોંચી હતી અને એ-વન બોમ્બે બિરિયાની નામની દુકાનમાંથી પાંચ નમુન લીધા હતાં અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે અને હાલ આ દુકાનને બંધ કરાવી દેવામાં આવી છે. કુલ બાવન લોકો ને અસર થઈ હોવાનું અધિકારીએ સત્તાવાર જણાવ્યું હતું. જો કે, હાલ તમામ ની તબિયત સારી છે. કોઈ ને ગંભીર અસર નથી તેમ જાણવા મળ્યું છે.
