પિતાના સ્મરણાર્થે નવતર અભિગમ અમલી બનાવી જીલ્લા ભાજપ પ્રમુખના હસ્તે અપાયા સંવિધાન
લોહાણા ફાર્મ કેશોદ ખાતે બૌધ સમૂહ લગ્નોત્સવ સમિતિ કેશોદ દ્વારા સમુહ લગ્નોત્સવનું આયોજન થયું હતું. ગુજરાત સમન્વય શેડ્યુલ્ડ કાસ્ટ સંગઠન સોમનાથના અઘ્યક્ષ ભગવાનભાઈ સોલંકી તરફથી 9 નવદંપતીઓને ભારતીય સંવિધાનની જીલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાના હસ્તે ભેટ આપવામાં આવી હતી.
આ પગલાનો મુખ્ય હેતુ એ છે કે, નવી પેઢી લગ્ન જીવનની શરૂઆતની સાથે જ દેશના કાયદા અને તેના પવિત્ર મૂલ્યોથી વાકેફ થાય. આ અમૂલ્ય ગ્રંથ એ માત્ર એક પુસ્તક નથી. તેના હકો અને ફરજોનું રક્ષણ કરતું કવચ છે. સંવિધાન એ માત્ર કાયદાનો શુષ્ક દસ્તાવેજ નથી. પરંતુ તે ગૌરવ પૂર્ણ જીવન જીવવાનો માર્ગ છે. જ્યારે ઘરમાં બંધારણ સ્થાન પામે છે. ત્યારે તે આવનારી પેઢીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને બંધારણીય નૈતિકતાનું સિંચન કરે છે.
સમુહ લગ્ન સમિતિ દ્વારા તેના આ પ્રેરણાદાયી વિચાર માટે ભગવાનભાઈ સોલંકીને હૃદયપૂર્વક આવકાર્યા હતા અને આ નોંધપાત્ર યોગદાન માટે શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. આ તકે સંસ્થાના માર્ગદર્શક પ્રમુખ એ.પી. વાળા, પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ ધુડા, જાણીતા લેખક પ્રો.નાથાલાલ ગોહેલ, બાબુભાઈ રાવલોયા, સાંગાણી હોસ્પિટલ ના ડો. અજય સાંગાણી, કોર્પોરેટર પાર્થ ધુડા, માધુરીબેન પારધી, વિકાસ બળવા અને રોહન ચાવડા તેમજ એચ.પી. વાળા, ભનુભાઈ ઓડોદરા, એક્સ આર્મી મેન, અશોકભાઈ રાઠોડની ખાસ ઉપસ્થિતિ રહી હતી.
