વાંકાનેર પીએસઆઈને હડફેટે લેતા સુરેન્દ્રનગરનો એક શખ્સ ઝડપાયો

એ ડીવીઝને પકડી વાંકાનેર પોલીસને સોંપ્યો: આરોપીએ ઓળખ છુપાવવા ટકો કર્યો

વાંકાનેર સીટી પોલીસ મથકના પીએસઆઈ એ.પી.મેવાડા સહિતની ટીમ તા. 6-2ના રોજ રાત્રે જીનપરા જકાતનાકા વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહી હતી. આ સમયે એક સ્વીફટ કલરની કાળા કાચવાળી કાર આવતા પોલીસે તેને રોકી હતી.
અને કલીનર સાઈડનો દરવાજો ખોલી પીએસઆઈ એક પગ કારમાં રાખી અંદર મોઢુ નાંખી કારમાં કોણ કોણ સવાર છે તેની વિગતો લેતા હતા. આ સમયે કાર ચાલકે કાર ભગાવી મુકી હતી. અને પીએસઆઈને 150થી200 ફુટ ધસડયા હતા. અને બાદમાં પીએસઆઈ કારમાંથી નીચે પટકાતા તેઓને ઈજા પહોંચી હતી. આથી તેઓને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.
બીજી તરફ પોલીસે કારનો પીછો કરતા વાંકાનેર નેશનલ હાઈવે પર નર્સરી ચોકડી પાસેથી કાર રોંગ સાઈડમાં પોલીસને મળી આવી હતી.
જેમાં કારમાં સવાર 3માંથી 2 ઈસમો સુરેન્દ્રનગરનો સુનીલ ઝવેરભાઈ ઉનેચા અને નયન ગોપાલભાઈ જખવાડીયા ઝડપાયા હતા. જયારે મયંક લાલાભાઈ વાલાણી ફરાર થઈ ગયો હતો.
આ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમ હરકતમાં આવી હતી. સ્ટાફના ધનરાજસિંહ, વિજયસિંહ, મહાવીરસિંહ સહિતનાઓએ મયંકની તપાસ કરતા રામનગર નજીક આવેલ શિવશકિત રેસીડેન્સી પાસે હોવાની બાતમી મળતા તેને દબોચી લીધો હતો. આરોપીની ઝડપથી ઓળખ ન થાય તે માટે ગુનાને અંજામ આપ્યા બાદ તેને માથે ટકો પણ કરાવી લીધો હતો. એ ડીવીઝન પોલીસે આ શખ્સને વાંકાનેર પોલીસને સોંપ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ