ગોઢાણિયા મહિલા કોલેજ ખાતે એમ.કોમ.પી.જી. સેન્ટર દ્વારા રાઉન્ડ ટેબલ ગ્રુપ ડિસ્કશનનું થયું સફળ આયોજન:યુવતીઓએ રાષ્ટ્રીય વિકાસ પર પડનારા પ્રભાવ વિશે પોતાના મત વ્યક્ત કર્યા
ભારતમાં અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો વિશે પોરબંદરની કોલેજીયન યુવતીઓએ ચર્ચા કરી હતી.ડો.વી.આર.ગોઢાણીયા કોલેજ પી.જી.સેન્ટર એમ.કોમ દ્વારા ભારત-અમેરિકા વેપાર સંબંધો:તકો અને પડકારો વિષય પર રાઉન્ડ ટેબલ ગ્રુપ ડિસ્કશનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈશ્વિક આર્થિક સંબંધો અને તેના રાષ્ટ્રીય વિકાસ પર પડતા પ્રભાવ વિશે ઊંડાણપુર્વકની સમજ વિકસાવવાનો હતો.આ ચર્ચાનું આયોજન પ્રિન્સિપાલ ડો. કેતન શાહના સુચન અનુસાર ડિપાર્ટમેન્ટ હેડ ડો.જાનકી કોટેચાના માર્ગદર્શન હેઠળ પ્રો.રિધ્ધિ ગોટેચા દ્વારા કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમના નિર્ણાયક તરીકે પ્રો.રીતેશ કારીયા અને પ્રો. કિરણ સોમૈયાએ સેવાઓ આપી.કુલ 20 વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં વ્યક્તિગત રીતે પોતાના વિચારો રજુ કર્યા,ત્યારબાદ બીજા રાઉન્ડમાં બે જુથોએ તકો અને પડકારો વિષય પર તર્કસભર ચર્ચા કરી.ચર્ચા દરમિયાન ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વધતા આર્થિક સહકાર અને દ્વિ-પક્ષીય વેપાર સંબંધોની મહત્તા પર ખાસ ભાર મૂકાયો. ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, મેન્યુફેક્ચરિંગ, ઊર્જા અને સર્વિસ સેક્ટર જેવા ક્ષેત્રોમાં વેપાર સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી. રોકાણ પ્રવાહ, ડિજિટલ અર્થતંત્રમાં સહયોગ, નવીનતા ભાગીદારી અને સપ્લાય ચેઇન મજબૂત કરવાની તકો પર પણ વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા.સાથે સાથે દ્વિ-પક્ષીય વેપારને અસર કરતા પડકારો પર પણ ચર્ચા થઈ. ટ્રેડ ઇમ્બેલેન્સ, ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો, બૌદ્ધિક સંપત્તિ સંબંધિત મુદ્દાઓ, નિયમનાત્મક તફાવતો અને જિઓપોલિટિકલ પરિબળો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ.લાંબા ગાળાના વિકાસ માટે નીતિ સંકલન, પરસ્પર વિશ્વાસ અને ટકાઉ વેપાર પદ્ધતિઓની આવશ્યકતા પર પણ ભાર મૂકાયો.આ ચર્ચાએ વિદ્યાર્થીઓમાં સમીક્ષાત્મક વિચારશક્તિ, સંશોધન આધારિત દલીલો અને ઇન્ટરએક્ટિવ લર્નિંગને પ્રોત્સાહન આપ્યું. વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રવાહો અંગે જાગૃતિ દર્શાવી અને બંને દેશો વચ્ચે મજબૂત વેપાર સંબંધો કેવી રીતે પરસ્પર લાભકારી બની શકે તેના વિવિધ દ્રષ્ટિકોણ રજુ કર્યા.કાર્યક્રમ અત્યંત માહિતીપ્રદ અને રસપ્રદ રહ્યો.વિદ્યાર્થીઓને વૈશ્વિક વેપાર ગતિશીલતા અંગે મહત્વપૂર્ણ સમજ પ્રાપ્ત થઈ અને તેમની વિશ્લેષણાત્મક તેમજ સંચાર કૌશલ્યોમાં વધારો થયો.શ્રેષ્ઠ વક્તાઓમાં પ્રથમ ક્રમ વિભૂતિ દિલીપભાઈ જોષી (સેમેસ્ટર 4),દ્વિતીય ક્રમ શાંતિ લખમણ મોઢવાડીયા (સેમ-2),તૃતીય ક્રમ ધ્વની પ્રશાંતભાઈ વ્યાસ (સેમ-2) અને મિતલ રાજુભાઈ ગોરાણિયા (સેમ-4),આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ ટ્રસ્ટના પ્રમુખ ડો.વિરમભાઇ ગોઢાણીયા, મેંનેજીગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડીયા, તથા ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા, ટ્રસ્ટી શાંતાબેન ઓડેદરા, ટ્રસ્ટી જયશ્રીબેન ગોઢાણીયા, ટ્રસ્ટી ભરતભાઈ વિસાણા, વર્કિંગ ટ્રસ્ટી ડો. હીનાબેન ઓડેદરા, જાણીતા કેળવણીકાર ડો. ભરડા, ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો.કેતનશાહ, એમ.કોમ.ના અધ્યક્ષ ડો.જાનકી કોટેચા તેમજ અન્ય સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા છે.
