ગુજરાતની ભાજપ સરકારની સંવેદનહીનતાની હદ

પોરબંદર જિલ્લાની 24 હજાર વિધવા બહેનો બે મહિનાથી 1250 રૂપરડીની સહાયથી વંચિત : ‘વિધવા સહાય માટેની ગ્રાન્ટ નથી’ નું બહાનું કાઢી સરકારે ગરીબ બહેનોના મોઢામાંથી કોળિયો છીનવ્યો: મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ સામે બહેનોનો આક્રોશ: અન્ય રાજ્યોમાં ચૂંટણી જીતવા પાછળ કરોડો રૂપિયા ઉડાવતી ભાજપની પોલ ખુલી

ગુજરાતની ભાજપ સરકારની સંવેદનહીનતાની હદ વટાવી ગઇ હોય તેમ પોરબંદર જિલ્લાની 24 હજાર વિધવા બહેનો બે મહિનાથી 1250 રૂપરડીની ની સહાયથી વંચિત છે ત્યારે સ્વાભાવિક રીતે જ બહેનોમાં આક્રોશ વધી રહયો છે.
‘નારી તું નારાયણી’ ના ખોટા નારા લગાવતી ગુજરાતની ભાજપ સરકારનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે. રાજ્યની તિજોરી ખાલી હોવાના બહાના હેઠળ છેલ્લા બે મહિનાથી પોરબંદર જિલ્લાની 24 હજાર નિરાધાર વિધવા બહેનોને માસિક 1250 રૂપિયાની સહાય ચૂકવાઈ નથી. એક તરફ અન્ય રાજ્યોની ચૂંટણીમાં કરોડો રૂપિયાનું પાણીની જેમ પૈસા વાપરતી અને લુખ્ખા વચનોની લ્હાણી કરતી ભાજપ સરકાર, તો બીજી તરફ પોરબંદરની ગરીબ વિધવા બહેનોને 1250 રૂપરડી માટે તરસાવતી સરકાર. આ છે ભાજપનું ‘ગુજરાત મોડેલ’?! તેવા સવાલ ઉઠાવાયા છે.
બે મહિનાથી ચૂલા ઠંડા, બહેનોના આંસુ સૂકાતા નથી
છેલ્લા બે મહિનાથી પોરબંદર જિલ્લાની એક પણ વિધવા બહેનના ખાતામાં 1250 રૂપિયા જમા થયા નથી. મોંઘવારીના આ કપરા કાળમાં જ્યારે દાળ, ચોખા, તેલ બધું મોંઘું થયું છે, ત્યારે ગરીબ વિધવા બહેનો માટે આ 1250 રૂપિયા જ જીવનદોરી સમાન છે. આ સહાયથી જ બહેનો ઘરનું રાશન, દવાઓ, બાળકોની ફી ભરે છે. સહાય બંધ થતાં 24 હજાર બહેનોના ઘરના ચૂલા ઠંડા પડી ગયા છે. અનેક બહેનો વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લેવા મજબૂર બની છે.
કચેરીના ધક્કા, અધિકારીઓ પાસે જવાબ નથી !
સહાય કેમ નથી આવી? એ પૂછવા માટે જ્યારે બહેનો સરકારી કચેરીના ધક્કા ખાય છે, ત્યારે ‘ઉપરથી ગ્રાન્ટ આવી નથી’ એવો એક જ રટણ કરેલો જવાબ મળે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકર સામે બહેનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બહેનોનું કહેવું છે કે, ઓફિસમાં બેસીને આ સાહેબને અમારી ભૂખ નથી દેખાતી?
બીજા રાજ્યોમાં કરોડોની લ્હાણી, ગુજરાતની બહેનો ભૂખી
આ તે કેવી વિડંબણા છે કે જે ભાજપ સરકાર અન્ય રાજ્યની ચૂંટણીમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, જાહેરાતો પાછળ અબજો રૂપિયા વાપરે છે, મફતની રેવડીઓ વહેંચવાના લુખ્ખા વચનો આપે છે, એ જ સરકાર પાસે પોતાના જ રાજ્યની 24 હજાર વિધવા બહેનોને આપવા માટે 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ નથી. શું ગુજરાત સરકારની તિજોરી એટલી ખાલી થઈ ગઈ કે 6 કરોડ પણ નથી? કે પછી ગરીબો માટે સંવેદના જ મરી પરવારી છે?
સાંસદ-ધારાસભ્ય મૌન, મત લઈને ભૂલી ગયા
પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયા કેન્દ્રમાં શ્રમ મંત્રી છે અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા રાજ્યના કેબિનેટ મંત્રી છે. બંને ‘ડબલ એન્જિન’ સરકારના મોટા મંત્રીઓ છે. પણ છેલ્લા બે મહિનાથી પોરબંદરની 24 હજાર બહેનો રડી રહી છે, ત્યારે એક પણ મંત્રીએ ગાંધીનગરમાં જઈને આ મુદ્દે અવાજ ઉઠાવ્યો નથી. ચૂંટણી વખતે ઘરે ઘરે જઈને ‘મા-બહેનોનો આશીર્વાદ’ માંગનારા નેતાઓ આજે એ જ બહેનોની આંખના આંસુ લૂછવા તૈયાર નથી. શરમજનક બાબત છે.
માંગણી: સચિવ રાકેશ શંકર રાજીનામું આપે
મહિલા અને બાળ વિકાસ વિભાગની આવી ઘોર બેદરકારી બદલ વિભાગના સચિવ રાકેશ શંકર તાત્કાલિક રાજીનામું આપે એવી માંગ પ્રબળ બની છે. જો સચિવ કક્ષાના અધિકારી 24 હજાર બહેનોની સહાય માટે ગ્રાન્ટ ન મંજૂર કરાવી શકતા હોય તો એમને ખુરશી પર બેસવાનો કોઈ અધિકાર નથી.
ભાજપનો અસલી ચહેરો ખુલ્લો પડ્યો
‘બેટી બચાવો, બેટી પઢાવો’, ’નારી શક્તિ વંદના’ જેવા સૂત્રો માત્ર ચૂંટણી પૂરતા છે એ આ ઘટનાએ સાબિત કરી દીધું છે. જે સરકાર વિધવા બહેનોના 1250 રૂપિયા ન ચૂકવી શકે, એ સરકાર પાસેથી મહિલા સશક્તિકરણની આશા રાખવી એ ભૂલ છે. અન્ય રાજ્યોમાં જઈને મોટી મોટી વાતો કરતી ભાજપની પોલ ગુજરાતની 24 હજાર બહેનોએ ખોલી નાખી છે.
પોરબંદર જિલ્લામાં છ કરોડ રૂપિયાનું ચૂકવણુ થયુ નહી
પોરબંદર જિલ્લાની વાત કરીએ તો કુલ લાભાર્થી: 24,000 વિધવા બહેનો, છે જેમને માસિક સહાય: 1250 રૂપિયા આપવામાં આવે છે અને 2 મહિનાની બાકી રકમ 6 કરોડ રૂપિયા માટેનું સરકારનું ‘ગ્રાન્ટ નથી’નુંબહાનું ગળે ઉતરે તેવુ નથી.
વડાપ્રધાન મોદીના સોમનાથના કાર્યક્રમ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ વિધવાઓની વિરાસતનું શું?
સોમનાથ ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં વિરાસતના 75 વર્ષનો કાર્યક્રમ તા. 8મી મેના યોજાવાનો છે અને તેની પાછળ કરોડો રૂપિયા સરકાર ઉડાડી રહી છે. સોમનાથ અમૃત મહોત્સવના આ કાર્યક્રમ પાછળના ખર્ચ માટે ગ્રાન્ટ છે પણ વિધવા બહેનોને પૈસા આપવામાં ગુજરાતની ભાજપ સરકાર હાથ ઉંચા કરી રહી છે ત્યારે સોમનાથની વિરાસતની ચિંતા કરીને પબ્લીસીટી મેળવનાર ગુજરાતની ભાજપ સરકાર વિધવાઓની વિરાસત વિષે કેમ વિચારતી નથી? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.

રિલેટેડ ન્યૂઝ