પોરબંદરનું ‘ગ્રીષ્મ ભવન’ રાજા સરતાનજીનો ‘સંગીતચોરો’ આજે પણ અડીખમ,પણ ટુરિસ્ટની નજરથી દૂર!: સુદામા મંદિર પાછળ આવેલો ચોરો ઉનાળામાં રાહત અને સંગીતસભા માટે બન્યો હતો: ‘ઘોડા પથ્થર’ માં કંડારેલી કલા જેઠવા વંશની જાહોજલાલીની સાક્ષી
અરબી સમુદ્રના કિનારે વસેલું પોરબંદર શહેર માત્ર ગાંધીજીની જન્મભૂમિ તરીકે જ નહીં, પણ જેઠવા રાજવંશના ભવ્ય ઇતિહાસ માટે પણ જાણીતું છે. આ શહેરના સાંસ્કૃતિક વારસાની એક અણમોલ ઈમારત એટલે “ગ્રીષ્મ ભવન”, જેને સ્થાનિક લોકો “રાણા સરતાનજીનો ચોરો” કે “સંગીતચોરો” તરીકે પણ ઓળખે છે.
શિલાલેખ મુજબ ઈ.સ. 1785 માં જેઠવા રાજવંશના મહારાજા સરતાનજી દ્વારા આ ભવનનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ’ગ્રીષ્મ’ એટલે ઉનાળો. પોરબંદરના મહારાજાઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા આ ભવનમાં વિશ્રામ કરતા હતા. સાથે જ આ મંડપ સંગીતસભા માટે પણ બનાવવામાં આવ્યો હતો તેથી તે ’સંગીતચોરો’ તરીકે પ્રખ્યાત છે.
આ ભવનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે પોરબંદરના જ પ્રખ્યાત સફેદ નરમ પથ્થર એટલે કે “ઘોડા પથ્થર” માંથી કોતરીને બનાવવામાં આવ્યું છે. બહારની દીવાલો પર સ્વાભાવિક રીતે જ સંગીતકારો કંડારેલા છે અને ખૂણાઓમાં દ્વારપાળની મૂર્તિઓ સ્થાપિત છે. પુષ્પાવલિની કોતરણીથી શોભતી લાકડાની છત અને કેન્દ્રમાં ગોળ કોતરણી ધરાવતો મંચ હતો. અંદરનો હોજ બાષ્પીભવનથી વાતાવરણને સમશીતોષ્ણ રાખવામાં સહાયક બનતો હતો એટલે કે 239 વર્ષ પહેલા પણ કુદરતી એ.સી.ની ટેકનિક વપરાતી હતી.સુદામા મંદિરની પાછળ, મુખ્ય માર્ગ પર આજે પણ આ ઈમારત અડીખમ ઊભી છે અને પોરબંદરની જાહોજલાલીની સાક્ષી પૂરે છે. ભવન પરનું ઝીણું અને કલાત્મક કોતરકામ જોનારનું ધ્યાન તરત ખેંચી લે છે.
પણ દુ:ખની વાત એ છે કે આટલો ભવ્ય ઇતિહાસ સાચવીને બેઠેલું ગ્રીષ્મ ભવન આજે લાઇમલાઇટથી દૂર છે. પ્રવાસન નકશામાં સ્થાન ન મળવાને કારણે ભાગ્યે જ કોઈ ટુરિસ્ટ આ ભવનની મુલાકાતે આવે છે. પોરબંદર આવતા પ્રવાસીઓ કીર્તિ મંદિર, સુદામા મંદિર જોઈને પાછા ફરે છે, પણ આ ઐતિહાસિક ધરોહર જોવાથી વંચિત રહી જાય છે.
તંત્રને અપીલ
જો પોરબંદર મહાનગરપાલિકા અને પુરાતત્વ વિભાગ દ્વારા ગ્રીષ્મ ભવનને હેરિટેજ સાઈટ તરીકે વિકસાવવામાં આવે, યોગ્ય સાઈનબોર્ડ, લાઈટિંગ અને માહિતી મૂકવામાં આવે, તો પોરબંદરના પ્રવાસનને નવી દિશા મળી શકે છે. આ ભવન પોરબંદરનું “હિડન જેમ” એટલે કે છુપાયેલું રત્ન સમાન છે.
સરતાનજીનો ચોરો – ગ્રીષ્મ ભવન એક નજરે
બંધાવ્યું: ઈ.સ. 1785 માં જેઠવા વંશના મહારાજા રાણા સરતાનજી દ્વારા (ઈ.સ. 1757-1813)
હેતુ: 1. ઉનાળાની ઋતુમાં રાહત માટે ગ્રીષ્મ ભવન 2. સંગીતસભા માટે ’સંગીતચોરો’
ખાસિયત: પોરબંદરના પ્રખ્યાત “ઘોડા પથ્થર” એટલે કે સફેદ નરમ પથ્થરમાંથી કોતરકામ
સ્થાન: સુદામા મંદિરની પાછળ, રોડ પર, પોરબંદર
સ્થાપત્ય: દીવાલો પર સંગીતકારો અને દ્વારપાળની મૂર્તિ, પુષ્પાવલિની કોતરણીવાળી લાકડાની છત, કેન્દ્રમાં કોતરણીવાળો મંચ, તાપમાન જાળવવા માટે અંદર હોજ
વર્તમાન સ્થિતિ: લાઇમલાઇટથી દૂર, પ્રવાસન નકશામાં સ્થાન ન મળતા ટુરિસ્ટ ભાગ્યે જ આવે છે.
