વર્ષ 2022ની સાલમાં કુતિયાણાના ચાલકની કાર આડે નીલગાય ઉતરતા બન્યો હતો બનાવ: ગ્રાહક સુરક્ષા ફોરમે વીમા કંપનીને કર્યો હુકમ
કુતિયાણાના કાર માલિક સાથે વર્ષ 2022 માં અકસ્માત સર્જાયો હતો,જેમાં વીમા કંપની સામેનો કેસ તેઓ જીતી ગયા છે અને મોટર અકસ્માત નુકસાની વળતરના કેસમાં વ્યાજ સહિત રકમ ચુકવવા આદેશ થયો છે.
આ કેસની ટૂંક હકીકત એવી છે કે,કુતિયાણાના વિક્રમભાઈ માલદેભાઈ ઓડેદરાની માલિકીની પજેરો સ્પોર્ટ્સ કારનું તા.14.12.2022 ના રોજ નીલગાયનો ઘેરો નીકળતા તેને બચાવવા જતા તેમની કાર પલટી મારી ગયેલ અને કારમાં નુકસાની થયેલ અને તે કાર સંબંધે વિક્રમભાઈ માલદેભાઈ ઓડેદરા દ્વારા એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યુરસ કંપની લીમીટેડમાંથી વીમો લીધેલ હોય અને તેથી તેમણે વીમા કંપનીમાં અકસ્માત નુક્સાનીનાં વળતર માટે કલેઈમ કરેલ જે કલેઈમ વીમા કંપનીએ નાં-મંજુર કરતા વિક્રમભાઈ માલદેભાઈ ઓડેદરા દ્વારા જીલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ અરજી નં.16/2023 થી વીમા કંપની સામે ફરીયાદ કરેલ ઉપરોક્ત કેસમાં ફરિયાદી વિક્રમભાઈ માલદેભાઈ ઓડેદરા વતી પોરબંદરનાં જાણીતા એડવોકેટ પ્રકાશ ડી. માંડવીયા રોકાયેલ હતા.ઉપરોક્ત ફરિયાદમાં ફરિયાદીનાં એડવોકેટ પ્રકાશ ડી. માંડવીયાની દલીલ ધ્યાને લઇ જીલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમ દ્વારા ફરિયાદીની ફરિયાદ અરજી અંશત: મંજુર કરેલ અને એચ.ડી.એફ.સી. અર્ગો જનરલ ઇન્સ્યુરસ કંપની લીમીટેડને નુકસાની વળતરની રકમ રૂ.13,16,700 વાર્ષીક 9% વ્યાજ સહીત ફરિયાદીને ચૂકવી આપવાનો તા.6.5.2026 ના રોજ હુકમ કરેલ.
ઉપરોક્ત ફરિયાદ અરજીનાં કામે ફરિયાદીના એડવોકેટ તરીકે પ્રકાશ ડી. માંડવીયા તથા પોરબંદરનાં જાણીતા એડવોકેટ જયભાઈ મહેતા તથા તુષાર એન. રાઠોડ તથા દીપેશ ડી. ખોરાવા રોકાયેલ હતા.
