અગાઉ વાણોટ તરીકેની જવાબદારી ખૂબજ સારી રીતે નિભાવી ચૂકેલા અનુભવી અગ્રણીની નિમણૂંકને સૌએ વધાવી: સમાજને એકસૂત્રતાના તાંતણે બાંધવાનો કર્યો રણટંકાર: રોજેરોજનું કમાતા નાના માચ્છીમારોથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ સુધી સૌને સાથે રાખીને સમાજના ઉત્કર્ષ માટે પ્રવૃત્તિ કરશે: બાળાઓના હસ્તે તિલકવિધિ થઇ સંપન્ન
શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ખારવા સમાજની પરંપરા મુજબ ખારવા પંચાયત મંદિર (મઢી) ખાતે સમાજના નવા વાણોટની વરણી અને તિલકવિધિ કરવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવા વાણોટ તરીકે નિમણૂંક પામેલા કાંતિભાઇ બાદરશાહી ઉપર અભિનંદન વર્ષા કરવામાં આવી હતી.
શુક્રવારે થઇ તિલકવિધિ
ખારવા પંચાયત મંદિરમાં નવા વાણોટની નિમણુંક બાબતે નવનિયુકત પંચપટેલ,ટ્રસ્ટીઓ ની એક મીટીંગ રાખવામા આવેલ હતી. તેમા વાણોટ પવનભાઈ શિયાળે સમાજના નિયમ મુજબ તેમનુ એક વર્ષ નો કાર્યકાળ પૂર્ણ કરીને રાજીનામુ આપેલ હતુ. ત્યારબાદ નવ ડાયરાના પંચપટેલ ટ્રસ્ટીઓ દ્વારા મીટીંગની અંદર સર્વાનુમત્તે કાંતિભાઇ બાદરશાહીની વરણી કરવામાં આવતા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
શપથવિધિ
વાણોટ કાંતિભાઇ બાદરશાહી તથા નવનિયુકત પંચપટેલ ટ્રસ્ટીઓ દ્વારા વિધિવત્ત ભૈરવનાથજી તથા હનુમાનદાદા ની સાક્ષી એ શપથ લીધી હતી, ત્યારબાદ લક્ષ્મીસ્વરૂપ નાની બાળાઓના હસ્તે વાણોટની તિલકવીધી કરવામા આવેલ હતી.
મહાનુભાવોએ આપી શુભેચ્છા
ઉપસ્થિત ખારવા સમાજના માજીવાણોટ, શ્રેષ્ઠીઓ, મહાનુભાવો તથા અન્ય સમાજના મહાનુભાવોએ પ્રમુખ કાંતિભાઇ બાદરશાહીનું હારતોરા કરી અભિવાદન કર્યુ હતુ અને સમાજના ઉજ્જળ ભવિષ્ય માટે અને સમાજના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવેલ હતી. વાણોટ કાંતિભાઇ બાદરશાહી તથા પંચપટેલ ટ્રસ્ટીઓ સમાજને શૈક્ષણિક ક્ષેત્રે, રોજગાર ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે, તથા અન્ય ક્ષેત્રે
ઉચ્ચ કક્ષા એ લઈ જવા માટે તથા માછીમારો ના વિકાસ અર્થે સતત પ્રયત્નશીલ રહેશે. જણાવવામાં આવેલ હતુ. પૂર્વ વાણોટ પવનભાઇ શિયાળે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
સમાજની સેવાપ્રવૃતિ
વધુ વેગવંતી બનાવાશે
પોરબંદરમાં ખારવા સમાજના વાણોટ તરીકેનું પદગ્રહણ કર્યાબાદ કાંતિભાઇ બાદરશાહીએ જણાવ્યુ હતુ કે જુદા જુદા પ્રકારની સામાજીક પ્રવૃતિઓને વધુ ગતી પ્રગતિ તરફ લઇ જવા માટે દ્રઢ નિર્ધાર છે . તેમણે ે વધુમાં જણાવ્યું હતું કે, ખારવા સમાજ દ્વારા આરોગ્યલક્ષી અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં રાહતદરનું દવાખાનું ગરીબ અને જરીયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબીત થઇ રહ્યું છે. તે સિવાય સમાજમાં જરૂરીયાતમંદ લોકોને મેડીકલ સહાય કે દવાની જરૂરીયાત હોય ત્યારે તેના માટે પણ તન, મન, ધનથી મદદરૂપ બનવામાં આવે છે. સમાજના લોકોને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવાની સાથો સાથ અવાર-નવાર દાતાઓની મદદથી મેડીકલ કેમ્પ પણ યોજવામાં આવે છે. જેમાં નિ:શુલ્ક સારવાર નિદાનની સાથે દવા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. અમારી જ્ઞાતિના યુવા તબીબ એવા ભાઇ-બહેનો પણ આ મેડીકલ સેવામાં સહભાગી બને છે. અમારી આ સેવાપ્રવૃતિને વધુ આગળ લઇ જઇને દર્દી નારાયણ એવા જરીયાતમંદોની ખરાઅર્થમાં સેવા થઇ રહી છે. ખારવા સમાજ દ્વારા દર મહીને વિધવા મહિલાઓને મહિનાભરનું અનાજ, રાશનકીટ આપવામાં આવે છે. દર મહીને ઘઉં, બાજરો અને ચોખા, તેલ, ખાંડ-ચાની ભુકી, ચણાંની દાળ, ધાણાજીરૂ મરચાની ભુકી સહીત અન્ય ચીજવસ્તુઓની કીટ તૈયાર કરીને પહોંચાડવામાં આવે છે.વર્ષોથી ખારવા સમાજના અત્યંત નબળા એવા પરીવારોને બે આંકડાના નજીવા ભાડેથી મકાનો આપવામાં આવ્યા છે. ધો.8 થી કોલેજ કક્ષા સુધીના વિધાર્થીઓને રાહતદરે પુસ્તકો આપવા સહીત દાતાઓની મદદથી નોટબુક વિતરણ જેવા કાર્યક્રમો યોજીને વિધાર્થીઓને મદદરૂપ બનવામાં આવે છે.
તે ઉપરાંત કોઇ વિધાર્થીઓ ફી ભરી શકે તેમ ન હોય તો તેઓને પણ મદદ કરવામાં આવે છે. મફત અને ફરજીયાત શિક્ષણ આર.ટી.ઇ.ના કાયદાની જાગૃતિ ફેલાવવાની સાથો સાથ તેના ઓનલાઇન ફોર્મ પણ નિ:શુલ્ક ભરી આપવામાં આવે છે. જુદા જુદા પ્રકારની સરકારી નોકરી માટેના ઓનલાઇન ફોર્મ જો સાયબર કાફેમાં ભરાવામાં આવે તો તેનો ખર્ચ થતો હોય છે. તેના બદલે મઢી ખાતે જ આવા ફોર્મ ભરી આપવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે. ખારવા સમાજ દ્વારા વર્ષોથી નિયમીત રીતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં સમાજમાં જરૂરીયાતમંદ દીકરીઓના લગ્ન કરાવી આપવાથી માંડીને અઢળક કરીયાવર પણ આપવામાં આવે છે. ખારવા સમાજ દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓ માટે એમ્બ્યુલન્સની પણ ખાસ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. તે ઉપરાંત માધવાણી કોલેજ પાસે રત્નાકર શાળાના માઘ્યમથી પ્રાથમીક-માઘ્યમિક શિક્ષણ શ્રેષ્ઠતમ રીતે પુરૂ પાડવામાં આવી રહ્યું છે. આ રીતે ખારવા સમાજના આબાલ વૃઘ્ધો સૌને કોઇ માટે અલગ અલગ પ્રકારની અઢળક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. પંચપટેલ ટ્રસ્ટીઓનો પણ જબરો સહકાર મળી રહ્યો છે. સમાજના આર્થીક રીતે સમૃઘ્ધ દાતાઓ પણ અમારા આ સેવાકાર્યમાં સહભાગી બનીને આહુતી આપવા હરહંમેશ તૈયાર હોય છે. તેમ પણ વાણોટ કાંતિભાઇ બાદરશાહીએ ઉમેર્યુ હતું.
‘હું કામ કરી બતાવવા આવ્યો છું’
કાંતિભાઇ બાદરશાહીએ તેમના જોસીલા ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે ‘મારે અહીંયા પ્રવચન કરવાનું નથી, હું લાંબુ બોલતો પણ નથી સમાજ માટે હું ફકત કામ કરવા અને કરી બતાવવા આવ્યો છું. અગાઉ પણ વાણોટ તરીકે હતો તે સમયે આપ સૌના સહકાર અને વડીલોના આશીર્વાદથી ખુબ સારી રીતે કામ કર્યુ હતુ અને હવે પણ એ જ રીતે કામને આગળ વધારીશ તેમ ઉમેર્યુ હતુ.
‘મારા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સહકાર આપનાર સૌ કોઇનો આભાર’: પવનભાઇ શિયાળ
પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોટ તરીકે પાંચ વર્ષ સુધી ખૂબજ સારી કામગીરી કરનારા પવનભાઇ શિયાળે નવા વાણોટ કાંતિભાઇ બાદરશાહીને શુભેચ્છા આપવાની સાથોસાથ વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ‘મારા પાંચ વર્ષના સમય દરમિયાન પંચપટેલ ટ્રસ્ટીઓ તથા સમાજના સર્વે લોકોના સહકારથી અનેકવિધ વિકાસકામો કર્યા છે. જેમાં મને તમામ સમાજનો સહકાર સાંપડયો છે. રાજનેતાઓથી માંડીને સ્થાનિક પ્રશાસનતંત્ર અને પોરબંદરની સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓનો પણ સહકાર મળ્યો છે ત્યારે સહુનો હું આભાર વ્યકત કરુ છું.’ તેમ પવનભાઇશિયાળે ઉમેર્યુ હતુ.
સમાજના નવ ડાયરાના 27 પંચપટેલ
ટ્રસ્ટીઓ દ્વારા થઇ સર્વાનુમતે પસંદગી
શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પ્રમુખની સમસ્ત ખારવા સમાજના નવ ડાયરાઓના પંચપટેલ ટ્રસ્ટીઓ દ્વારા સર્વાનુમત્તે પોરબંદર ખારવા સમાજના વાણોટ પ્રમુખ તરીકે કાંતિભાઇ બાદરશાહીની પસંદગી કરવામાં આવેલ છે. સમગ્ર ખારવા સમાજના ભાઈઓ, યુવાનો એ ખારવા સમાજના વિકાસ માટે વાણોટ કાંતિભાઇ બાદરશાહી ઉપર વિશ્વાસ વ્યકત કરી, નવ ડાયરાઓના તમામ પટેલ તથા ટ્રસ્ટીઓ એમ કુલ 27 સભ્યોની નિયુકતી કરવામાં આવે છે, આ પંચપટેલ ટ્રસ્ટીઓ એ એકમત બની ખારવા સમાજની પરંપરાને આગળ વધારી સર્વાનુમત્તે વાણોટ તરીકે તેમની વરણી કરવામા આવેલ છે. ખારવા જ્ઞાતિના વાણોટ, ઉપપ્રમુખ તથા પંચપટેલટ્રસ્ટીઓને જ્ઞાતિના સર્વે ઉઘોગપતિઓ, જ્ઞાતિ આગેવાનો અને વિશાળ સંખ્યામાં યુવાનોએ અભિનંદન પાઠવી ખારવા સમાજના વિકાસમા તન-મન અને ધન થી સહયોગ આપવા જણાવ્યું હતું.
ખારવા સમાજની 217 વર્ષ જુની ન્યાય પરંપરા
પોરબંદરમાં ખારવાસમાજની મઢી ખાતે સમાજના લોકોને ર17 વર્ષ વર્ષથી તટસ્થ અને સચોટ ન્યાય ઉપર વિશ્ર્વાસ છે ત્યારે તેમની આ પરંપરાને હું પંચ-પટેલ-ટ્રસ્ટીઓ સહિત જ્ઞાતિના આગેવાનોના માર્ગદર્શનથી વધુ આગળ ધપાવીશ ં. તેમ જણાવીને કાંતિભાઇ બાદરશાહીએ ઉમેર્યુ હતું કે,
દરરોજ મઢી ખાતે સરેરાશ જેટલા કેસ આવે છે જેમાં સ્થળ ઉપર જ નિરાકરણ બન્ને પક્ષને ન્યાય મળે તે રીતે કરી આપવામાં આવે છે જેથી કોર્ટ અને પોલીસના ચક્કરમાંથી તેઓ બચે અને સમયની
પણ બચત થાય તેવા હેતુ સાથે વર્ષોથી પ્રસિધ્ધ ન્યાયની પરંપરાને આગળ ધપાવીશ તેવો કોલ આપ્યો હતો.
પોરબંદર ખારવા સમાજની એકતા વધુ મજબૂત બનશે, ફાંટાની તો કોઇએ કયારેય કલ્પના પણ કરવી નહી !
પોરબંદર ખારવા સમાજના નવ નિયુકત વાણોટ (પ્રમુખ) કાંતિભાઇ બાદરશાહીએ મઢી ખાતે તેમના ઉદ્બોધનમાં સ્પષ્ટ જણાવ્યુ હતુ કે કેટલાક લોકો એવુ કહે છે કે પોરબંદરના ખારવા સમાજમાં ફાંટા છે પરંતુ આવી વાતની કોઇએ કલ્પના પણ કરવી જોઇએ નહી તેમ જણાવીને ઉમેર્યુ હતુ કે ખારવાસમાજની એકતાને વધુ મજબૂત બનાવવા માટે સૌને સાથે રાખીને ચાલવામાં આવશે કોઇપણ પ્રકારના મતભેદ અને મનભેદ હશે તો પણ તેને દૂર કરાવશુ તેવી ખાત્રી આપી હતી.
નાના માચ્છીમારોને ઉભા કરવા એ મુખ્ય ધ્યેય
નવા વાણોટ કાંતિભાઇ બાદરશાહીએ લાગણીસભર ભાષામાં જણાવ્યુ હતુ કે નાના માચ્છીમારોની સમસ્યાઓ વધી છે અને આર્થિક રીતે તેઓ પાયમાલ થયા છે. 15-15 રૂા.નું તેલ લઇને દિવસો કાઢતા લોકોને મેં જોયા છે. સમાજના આવા બધા લોકોને ઉભા કરવા એજ મારું ધ્યેય છે સાથોસાથ તેમણે એમ પણ ઉમેર્યુ હતુ કે સમાજના મોટા ઉદ્યોગપતિઓને પણ જો કોઇ સમસ્યાઓ હશે તો તેના નિરાકરણ માટે અમે હરહંમેશ અગ્રેસર રહીશુ.અને સ્થાનિકકક્ષાએથી માંડીને ગાંધીનગર કે દિલ્હી સુધી રજૂઆત કરવા માટે જવુ પડે તો તેના માટે પણ અમારી તૈયારી છે તેમ ઉમેર્યુ હતુ.
