31 ઓગસ્ટ સુધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું: રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા લેવાયો નિર્ણય
પોરબંદર જિલ્લામાં 31 ઓગસ્ટ સુધી ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
પોરબંદર જિલ્લામાં આવેલ રાષ્ટ્રીય સુરક્ષા તથા વ્યૂહાત્મક મહત્વ ધરાવતા સંવેદનશીલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલા આવા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન અને યલો ઝોન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ સંકલિત માહિતીના આધારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.ડી. મિયાત્રા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સમગ્ર પોરબંદર જિલ્લામાં કુલ 22 સંવેદનશીલ સ્થળોમાંથી 7 સ્થળોને રેડ ઝોન અને 15 સ્થળોને યલો ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ રેડ ઝોન અને યલો ઝોન જાહેર કરેલા વિસ્તારોમાં રેડ ઝોન વિસ્તારમાં ડ્રોન (યુ.એ.વી.) નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે અને યલો ઝોનમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન (યુ.એ.વી.) નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ કરાયો છે તેમજ ઓફીસ ઓફ ધ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવીએશનના પત્ર ક્રમાંકમાં દર્શાવેલી જોગવાઈઓની અમલવારી કરવાની રહેશેઆ જાહેરનામું આજથી તા.31/08/2026 (આ જાહેરનામું બીજો હુકમ થતાં) સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો ઉલ્લઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ સજાને પાત્ર થશે.
