કપડા ધોતી હતી ત્યારે બુલેટ લઇને આવેલા શખ્સે ‘કંટોલા આવી ગયા?’ કહીને ગાળો આપી: બે શખ્સો સામે નોંધાયો ગુન્હો
પોરબંદરમાં શાકભાજીની ધંધાર્થી મહિલાને તેના ઘરે જઇને ધોકા વડે માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
પોરબંદરના જ્યુબેલી વિસ્તારમાં આવેલી શિવનગરની વ્રજવાટીકા સોસાયટીમાં રહેતા અને વાડીપ્લોટ શાકમાર્કેટમાં શાકભાજી વહેચીને પરિવારનું ગુજરાન ચલાવતા ગીતાબેન રામભાઇ કુછડીયા ઉ.વ. 50 દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તા. 26-7ના સાંજે તેઓ ડેલા બહાર ઓટલા ઉપર કપડા ધોતા હતા ત્યારે ખાપટમાં રહેતો હાજા વીરમ કેશવાલા બુલેટબાઇક લઇને આવ્યો હતો અને ગીતાબેનને ‘કંટોલા આવ્યા છે?’ તેમ કહેતા ગીતાબેને તેને ‘અહીંયા શાકમાર્કેટ છે કે તું અહીં બકાલાનું પૂછવા આવ્યો?’ કહેતા હાજો ગાળો બોલીને ચાલ્યો ગયો હતો અને 15 મિનિટ પછી હાજા વિરમ જ્યુબેલીવાળા શૈલેષ કરશન ઓડેદરાને સાથે રાખીને બુલેટ બાઇકમાં આવી પહોંચ્યો હતો અને બુલેટ ઉભુ રાખીને બંને જણા ગાળો બોલવા લાગ્યા
હતા.
ગીતાબેન કુછડીયાએ તેના હાથમાં રહેલ ધોકાનો ઘા કરતા હાજાએ ધોકો લઇ લીધો હતો અને ફરિયાદીને માથામાં મારી દેતા લોહી નીકળવા લાગ્યુ હતુ આથી તેમણે બુમાબુમ કરતા ઘરમાંથી તેમની દીકરી સેજલ દોડીને બહાર આવી હતી. અને બુમાબુમ થતા બંને જણા બુલેટમાં બેસીને જતા રહ્યા હતા. સેજલે ઇમરજન્સી સેવા 108ને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી પહોચી હતી અને ઘવાયેલા ગીતાબેનને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવારબાદ છુટા કરી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી ભાઇ સુરેશ અને ભાભી લક્ષ્મીબેન સાથે ઉદ્યોગનગર પોલીસે રૂબરૂ આવીને ખાપટના હાજા વીરમ કેશવાલા અને જ્યુબેલીના શૈલેષ કરશન ઓડેદરા સામે ફરિયાદ નોંધાવી છે.
