ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ધાર્મિક સ્થળોના પરિસર અને આજુબાજુના વિસ્તારમાં થઈ સફાઈ
પોરબંદર જિલ્લામાં તીર્થ સ્થળોની આજુબાજુમાં રહેલી ગંદકીની સફાઈ માટે જનજાગૃતિ અભિયાન યોજાયું હતું.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પવિત્ર શ્રાવણ માસ તથા આગામી ધાર્મિક તહેવારોને ધ્યાને રાખીને રાજ્યવ્યાપી ‘સ્વચ્છ તીર્થસ્થાન-પવિત્ર ગુજરાત અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે. ધાર્મિક તહેવારો અને ઉત્સવો દરમિયાન મંદિરો તથા તીર્થસ્થળોના પરિસરમાં ફુલ-હાર, ભીનો કચરો, પ્લાસ્ટિક પેકેજિંગ, પીવાની પાણીની બોટલો, કાગળ સહિતનો ઘન કચરો મોટા પ્રમાણમાં એકત્રિત થતો હોય છે.
આ કચરાના યોગ્ય નિકાલ તેમજ પર્યાવરણ સંરક્ષણના હેતુથી બોર્ડ દ્વારા‘શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણ’ના સંદેશ સાથે વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે.આ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લાના કીર્તિમંદિર, સુદામા મંદિર, જડેશ્વર મંદિર, જાંબુવન ગુફા અને સાંદિપની મંદિર ખાતે વિશેષ સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું.આ દરમિયાન શ્રદ્ધાળુઓ તેમજ મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓને તીર્થસ્થળોની સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અભિયાન હેઠળ ધાર્મિક સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તથા તેના વિકલ્પ તરીકે કાપડની થેલીનો ઉપયોગ કરવા, તેમજ કચરાના સ્ત્રોત પર જ સૂકા અને ભીના કચરાનું 100% વિભાજન કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ ઉપરાંત પી.ઈ.ટી.બોટલો માટે અલગ સંગ્રહ વ્યવસ્થા ઊભી કરવા તથા મંદિર પરિસરમાં પૂરતી સંખ્યામાં ડસ્ટબિન રાખી નિયમિત સફાઈ જળવાઈ રહે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.જી.પી.સી.બી.ની પોરબંદર પ્રાદેશિક કચેરી દ્વારા જિલ્લાના તમામ શ્રદ્ધાળુઓ, મંદિર ટ્રસ્ટો તથા સંચાલકોને પોતાના વિસ્તારના ધાર્મિક સ્થળોને સ્વચ્છ, પવિત્ર અને પર્યાવરણમિત્ર બનાવવા માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
