જો કે ઓવર સ્પીડ, ભયજનક વાહન ચલાવવાના એક પણ કેસ ન થયા
તાજેતરમાં જ રાજયનાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજકોટ સહિત રાજયભરનાં આર.ટી.ઓ. અધિકારીઓને હાઈવે અને શહેરોમાં દોડતા એલઈડી લાઈટ ધરાવતા વાહનો સામે કડક ઝુંબેશ હાથ ધરી દંડાત્મક પગલા લેવા સૂચનાઓ અપાઈ હતી.
આ સૂચના અનુસંધાને રાજકોટ જિલ્લા આરટીઓ અધિકારી ઈન્દ્રજીત ટાંકના માર્ગદર્શન હેઠળ ચેકીંગ ટીમો એલઈડી લાઈટો ધરાવતા વાહનચાલકો ઉપર તૂટી પડી હતી અને ગત જાન્યુઆરી દરમ્યાન જ સફેદ એલઈડી લાઈટ ધરાવતા 258 વાહનચાલકો સામે કેસો કરી રૂા.2.58 લાખથી વધુનો દંડ વસુલ્યો હતો.
રાજકોટ જિલ્લાના વાહનચાલકોને જણાવવામાં આવે છે કે વાહનોમાં લગાડવામાં આવતી અનઅધિકૃત અને અતિ તીવ્રતાવાળી સફેદ એલઈડી હેડલાઈટ માર્ગ અકસ્માતોનું મુખ્ય કારણ બની રહી છે. રાત્રિના સમયે આવી લાઈટોના કારણે સામેથી આવતા વાહનચાલકોની આંખો અંજાઈ જતી હોય છે. જેના પરિણામે ગંભીર અકસ્માતો અને કયારેક માનવ મૃત્યુની ઘટનાઓ પણ બને છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈ, ગુજરાત સરકારના આદેશ અનુસાર આર.ટી.ઓ. રાજકોટ તેમજ રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત રીતે સ્પેશિયલ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ.
જેમાં તારીખ 24-1 ના રોજ જ શહેરના વિવિધ માર્ગો પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન નિયમ વિરુદ્ધની લાઈટો ધરાવતા કુલ 35 વાહનચાલકો સામે કેસ નોંધી કુલ રૂા.2,00,000/- (બે લાખ)નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ સ્પેશિયલ ડ્રાઈવ આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે. જે વાહનોમાં આવી લાઈટો મળી આવશે. તેમની સામે મોટર વ્હીકલ એકટ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે, નોંધનીય બાબત એ છે કે રાજકોટ આરટીઓ કચેરી પાસે છેલ્લા છ માસ કરતા વધુ સમયથી ઓવરસ્પીડ અને ભયજનક રીતે દોડતા વાહનોને પકડવાની સ્પિડગન ન હોય ગત માસમાં પણ ઓવરસ્પીડ અને ભયજનક રીતે દોડતા વાહનોને એકપણ કેસ નોંધાયો ન હતો! આ જ રીતે હેલ્મેટ અને મોબાઈલ પર વાત કરતા વાહન ચલાવવાનો પણ એક પણ કેસ નોંધાયો ન હતો.
આ ઉપરાંત ગત માસ દરમ્યાન બાકી વાહનવેરા સબબ 16 કેસોમાં રૂા.5.82 લાખ, ઓવરલોડનાં 154 કેસોમાં રૂા.20.08 લાખ, ઓવર ડાયમેન્સનનાં 89 કેસોમાં રૂા.4.35 લાખ અને કલેન્ડેન સ્ટાઈન ઓપરેશનનાં 24 કેસોમાં રૂા.2.40 લાખ, રેડિયમ રિફલેકટરનાં 123 કેસોમાં રૂા.1.23 લાખનો દંડ મળી જુદા-જુદા કુલ 1117 કેસોમાં તંત્રએ રૂા.45.74 લાખનો દંડ વસુલ્યો હતો.
