મનપામાં પડતર માંગણીઓ અંગે નિરાકરણ નહી થતા સફાઈ કામદારોની રેલી યોજાઈ

વારંવાર રજૂઆત કરવા છતા સમસ્યા યથાવત રહેતા વિરોધ પ્રદર્શન

રાજકોટ મહાનગર પાલિકાના સફાઈ કામદારોના પડતર પ્રશ્ર્નો અંગે આજરોજ રાજકોટ કામદાર યુનિયને, રેલી યોજી મ્યુ.કમિશ્ર્નરને ઉગ્ર રજૂઆત કરી હતી. આ તકે સફાઈ કામદારો અને પોલીસ વચ્ચે ઉગ્ર રકઝક પણ થવા પામી હતી.
સફાઈ કામદારોએ મ્યુનિ. કમિશ્ર્નરને રજૂઆત કરતા જણાવેલ હતું કે રાજકોટ મહાનગરપાલિકાનું ભવન ભારતીય સંવિધાનના ઘડવૈયા ડો. બી.આર. આંબેડકરના નામ સાથે જોડાયેલું છે. આ ભવન હેઠળ 5000થી વધુ અનુસુચિત જાતીના સફાઈ કામદારો અત્યંત નિષ્ઠા અને ઈમાનદારીથી શહેરની સેવામાં કાર્યરત છે. પરંતુ અત્યંત દુ:ખ સાથે જણાવવું પડે છે કે, જેમના નામ પર આ ભવન છે, તે જ ડો.આંબેડકરના સંવિધાન અને આ સમાજના શ્રમિકોનું પાલિકા તંત્ર દ્વારા શોષણ થઈ રહ્યું છે.
ત્યારે મેડીકલ સર્ટીફીકેટના આધારે અપાતા સ્વૈચ્છીક રાજીનામાની મેડીકલ સર્ટીફીકેટ રદ કરી અને મેડીકલ રદ થયાના 90 દિવસની અંદર રાજીનામું મંજુર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી. દરેક સફાઈ કામદારોને તેમની અનુકુળતા મુજબ નજીકની વોર્ડ ઓફીસમાં હાજરી પૂરવાની વ્યવસ્થા કરી આપવી તથા 532 સફાઈ કામદારોની નવી ભરતીમાં સમાજના તમામ ઉમેદવારને પ્રાથમિકતા આપવી અને સરકારના નિયમ મુજબ 5 વર્ષ ફીકસ પગાર બાદ કાયમી નિમણુંક આપવી.
તેમજ મિત્ર મંડળના લીડરોને 20થી વધુ કામદારોનો કોન્ટ્રાકટ આપવો જેવી મજુરોને કાયદેસરના લાભ મળી શકે, માનદ વેતન પ્રથા નાબુદ કરી લઘુતમ વેતન, પીએફ, ઈએસઆઈસી અને બોનસની ચુકવણી કરવી. તમામ કોન્ટ્રાકટ કામદારોને દિવાળી બોનસ અને બાકી રહેલી ડીફરન્સની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવી અને સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવી મિત્ર મંડળના તમામ સફાઈ કામદારોને બોનસ આપવામાં આવે.
જો ઉપરોકત વ્યાજબી અને પડતર માંગણીઓનો ટુંક સમયમાં સકારાત્મક ઉકેલ લાવવામાં નહીં આવે, તો રાજકોટ કામદાર યુનીયન દ્વારા કાયદો અને વ્યવસ્થાની મર્યાદામાં રહી, સંવિધાનના માર્ગે ધરણા, ઉપવાસ અને આંદોલન જેવા ક્રાંતિકારી પગલે લેવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ