રાજકોટની 100 શાળામાં યોજાયો સંપર્ક પ્રકલ્ય કાર્યક્રમ
રાજકોટ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત એનજીઓ માસિક મિલન પ્રબુદ્ધ ગોષ્ઠિ રાજકોટ દ્વારા શરૂ કરાયેલા શાળા સંપર્ક પ્રકલ્પ અંતર્ગત રાજકોટ મહાનગરની 100 શાળાઓમાં ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓ સાથે નાગરિક કર્તવ્ય, સંસ્કાર, અનુશાસન અને રાષ્ટ્રભાવના અંગે ગોષ્ઠિઓ યોજાઈ રહી છે. પ્રકલ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને જવાબદાર, સંવેદનશીલ અને શ્રેષ્ઠ નાગરિક બનાવવાનો છે.પ્રકલ્પની શરૂઆત કર્ણાવતી સ્કૂલથી કરવામાં આવી, જ્યાં ડો. એન.ડી. શીલુ અને વિપુલભાઈ ભોજાણીએ સમયપાલન, અનુશાસન, વિનય, વિવેક અને જીવનભર શીખતા રહેવાની ભાવના પર ભાર મૂક્યો. ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં રહેલા વૈજ્ઞાનિક તત્વોની ચર્ચા પણ કરવામાં આવી.જામનગર રોડ સ્થિત કોસ્મિક સ્કૂલમાં 800થી વધુ વિદ્યાર્થીઓને શ્રી કિશનભાઈ અભાણીએ નાગરિક કર્તવ્ય અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને કુમાર્ગોથી દૂર રહેવા આહ્વાન કર્યું.પરાપીપળીયા સ્થિત ડોક્ટર સુભાષ ક્ધયા વિદ્યાલયમાં ડો. નવલુ અને ડો. ધરાબેન ઠાકર વ્યાસે 600થી વધુ વિદ્યાર્થિનીઓને ભારતીય સંસ્કૃતિ, 16 સંસ્કાર, પરિવાર પ્રતિષ્ઠા અને મોબાઈલના સંયમિત ઉપયોગ અંગે સમજાવ્યું. શાળાના નિયમોનું પાલન અને માતા-પિતાપ્રત્યે કર્તવ્ય પર ખાસ ભાર મૂકાયો.સનરાઈઝ સ્કૂલ, કેતન ક્ધયા વિદ્યાલય તથા જ્ઞાનદીપ વિદ્યાલયમાં યોજાયેલી ગોષ્ઠિઓમાં હાર્દિકભાઈ વ્યાસ, એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજા, ડો. એ.ડી. પરમાર અને વિરમભાઈ રાઠોડે જણાવ્યું કે વિદ્યાર્થી જીવન ભણતર, ગણતર અને ઘડતરનો સમય છે. સમયપાલન, પરિશ્રમ, શિસ્ત, ટ્રાફિક નિયમોનું પાલન, રમતગમત, પરિવાર સાથે સમય વિતાવવો અને મોબાઈલથી દૂર રહેવું શ્રેષ્ઠ નાગરિકતાની પાયાં છે.પ્રકલ્પ અંતર્ગત વિદ્યાર્થીઓએ કર્તવ્ય પાલનની પ્રતિજ્ઞા લીધી. શાળા સંચાલકો, આચાર્યો અને શિક્ષકગણના સહયોગથી આ અભિયાન વ્યાપક સ્વીકાર પામ્યું છે.
