મુંબઈમાં 800 સાધુ સાધ્વીજીઓની નિશ્રામાં 64 મુમુક્ષુઓનાં મહાભિનિષ્ક્રમણ મહોત્સવની ઉજવણી
આર્થિક નગરી મુંબઈના આંગણે જૈન શાસનનો એક નવો ઇતિહાસ આલેખાયો બોરીવલી (પશ્ચિમ) સ્થિત ચીકુવાડી ખાતે ‘અધ્યાત્મ પરિવાર’ દ્વારા આયોજિત ભવ્ય દીક્ષા મહોત્સવમાં વૈરાગ્યનો કેસરીયો રંગ છવાયો છે. શાસ્ત્રોક્ત વિધિ અને અત્યંત હર્ષોલ્લાસ સાથે 64 મુમુક્ષુઓ આવતીકાલે સંસારના સુખ-સાહ્યબીનો ત્યાગ કરી જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરશે. પૂજ્ય ગુરુ ભગવંતોની દિવ્ય ઉપસ્થિતિ આ મહોત્સવ નિશ્રાદાતા શાંતિચંદ્રસૂરી સમુદાયના પરમ પૂજ્ય ગચ્છાધિપતિ સોમસુંદરસૂરીજી મહારાજ સાહેબ તથા સૂરીજિન-સંયમ કૃપાપ્રાપ્ત અધ્યાત્મ સમ્રાટ પ.પૂ. યોગતિલકસૂરીજી મહારાજા ની પાવન નિશ્રામાં યોજાઈ રહ્યો છે. આ ઉપરાંત, રામચંદ્રસૂરી સમુદાય ના અનેક આચાર્ય ભગવંતો અને પદસ્થ ભગવંતો સહિત અંદાજે 800 જેટલા શ્રમણ-શ્રમણી ભગવંતો ની ગરિમામય ઉપસ્થિતિમાં આ આયોજન દિવ્ય બન્યું છે.
વૈરાગ્યની પરાકાષ્ઠા: 64 મુમુક્ષુઓનો સંયમ માર્ગ અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રદ્ધાનો ઘોડાપૂર ઉમટ્યો છે. દીક્ષા મહોત્સવ દરમિયાન મુમુક્ષુઓએ ભવ્ય રથયાત્રામાં જોડાઈને કરોડોની માલમિલકતનું વર્ષીદાન કર્યું હતું. સમાજને ત્યાગનો સંદેશ આપતા આ મુમુક્ષુઓમાં નાની વયના બાળકોથી લઈને ઉચ્ચ શિક્ષિત યુવાનો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહારાષ્ટ્ર ના કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાએ પણ આ મહોત્સવમાં હાજરી આપી મુમુક્ષુઓના આત્મસમર્પણને વંદન કર્યા હતા. આવતીકાલે દીક્ષાક્રીયા માટે મંડપ પ્રવેશ ગઈકાલે વહેલી સવારે શુભ મુહૂર્તમાં 64 દીક્ષાર્થીઓ વાજતે-ગાજતે દીક્ષા મંડપમાં પ્રવેશ કરશે. મંત્રઘોષ અને વિધિ-વિધાન સાથે મુમુક્ષુઓ રજોહરણ ધારણ કરશે અને સંસારનો ત્યાગ કરી આત્મકલ્યાણના પંથે પ્રયાણ કરશે. આ સાથે જ પાંચ દિવસીય ’સંયમરંગ’ ઉત્સવની સફળ પૂર્ણાહુતિ થશે.અધ્યાત્મ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, આ આયોજન માત્ર એક ઉત્સવ નથી પણ જૈન શાસનની જીવંતતાનું પ્રતિક છે. મુંબઈની ધરતી પર એકસાથે 64 આત્માઓ દીક્ષા લે તેવી આ અવિસ્મરણીય ઘટના બની રહેશે.ચોથા દિવસની રાત્રે ’અંતિમ વિદાય’ સમારંભ યોજાયો હતો. ત્રણ ગુંજતા હોલમાં છેલ્લા નવ જામ (પ્રહર) દરમિયાન મુમુક્ષુઓએ પોતાની વિરક્તિ અને વૈરાગ્યનો સંદેશ શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યો હતો. દીક્ષા મંડપમાં જિનાલયને ’સ્વર્ગના વિમાન’ જેવું દિવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
