રાજકોટના રફાળામાં સગીરાનો ભેદી હાલતમાં મૃતદેહ મળ્યો : હત્યાની આશંકા

પરપ્રાંતીય સગીરાનું ઝેરી દવાથી મોત : ગુપ્ત ભાગે ઈજાના નિશાન : તપાસ શરૂ

રાજકોટની ભાગોળે રફાળામાં સગીરાનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો હતો. જેમાં હત્યા કે આત્મહત્યા? તેવા પ્રશ્નો ઊઠી રહ્યા છે. સગીરાને ગુપ્તભાગે ઈજા હોવાનું જાણવા મળ્યું છે. જેથી દુષ્કર્મની પણ શંકા છે. હાલ પોલીસે દુષ્કર્મની વાતને કોઈ સમર્થન આપ્યુ નથી. પણ પ્રાથમિક તપાસમાં પોલીસના મતે સગીરાએ ઝેરી દવા પી લેતા મોત થયું હોવાનું જણાવ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશ પણ હાલ વાંકાનેરના ટીટીયા ગામે રહેતા ખેત મજૂર પરિવારની 17 વર્ષીય દીકરીનો મૃતદેહ રાજકોટના રફાળા ગામના ખારા વાળો માર્ગ તરીકે ઓળખાતા વિસ્તારની એક વાડીમાંથી મળ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું મુજબ, ગત તા.3 માર્ચના રોજ આ સગીરા પોતાના પિતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવાર તેને શોધતો હતો ત્યારે જ જાણવા મળેલ કે, મધ્યપ્રદેશના ખજૂર ખો ગામનો ભુસા રાઠોડ નામનો પરણિત યુવાન આ સગીરાને ભગાડી ગયો છે. થોડા દિવસો પછી ભુસાએ સામેથી સગીરાના પિતાને ફોન કરીને જાણ કરી હતી કે, તેની દીકરી સાથે તેણે લગ્ન કરી લીધા છે. આ પછી પરિવારનો સગીરા સાથે કોઈ સંપર્ક થયો નહોતો. આ દરમ્યાન ગઈકાલે બપોરે અઢી વાગ્યા આસપાસ રફાળાની વાડીમાં સગીરાનો મૃતદેહ પડેલો મળ્યો હતો. જેથી ગામના આગેવાન પાંચાભાઈ સહિતના દોડી ગયા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જે વાડીમાં મૃતદે મળ્યો છે તે વાડીમાં રહેતા અને મજૂરી કરતા મજૂર આ ભુસા રાઠોડનાં સગા હતા. જેથી ભૂસો સગીરાને લઈ બે દિવસ પહેલા જ અહીં આવ્યો હતો. તારીખ 15 માર્ચની રાતે આ વાડીમાં ત્યાં મજૂરી કરતા બે શ્રમિક યુવાનો અને ભુસાએ દારૂ સાથે નોનવેજ અને ભજીયા સહિતની વાનગીઓની મહેફીલ માણી હતી. આ મહેફિલમાં સગીરા પણ સામેલ હતી. પોલીસે તપાસ કરતા ભુસો સ્થળ પર મળી આવ્યો નહોતો. 108 ને જાણ કરાતા 108 ના ઈએમટી જુલા ખોરાણીએ સ્થળ પર સગીરાને મૃત જાહેર કરી હતી. પોલીસે અમૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. માથે અને ગુપ્ત ભાગે સગીરાને ઈજાના નિશાન જોવા મળ્યા હતા જેથી ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. રાતની મહેફિલમાં જે બે યુવાનો સામે હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. યુવાનોએ જે જણાવ્યું તે મુજબ રાત્રે જમ્યા બાદ ભુસો અને સગીરા વચ્ચે ઝઘડો થયો હતો. પછી બધા સૂઈ ગયા હતા. દરમિયાન સગીરાએ ઊઠીને ઝેરી દવા પીધી હતી. સગીરાએ ઝેરી દવા પીધી હોવાની જાણ થતા ભુસો ભાગી ગયો હતો. પોલીસે ભુસાને પડધરી નજીકથી દબોચી લીધો છે. હવે આગળની હકીકત ખુલે તેમ છે. ઉપરાંત પોલીસે મહેફિલમાં સામેલ રહેલ બે યુવાનોને પણ પોલીસ મથકે બેસાડી દીધા છે. ત્રણેયની આગવી ઢબે પૂછપરછ થઈ રહી છે. સગીરા એક ભાઈ અને એક બહેનમાં નાની હતા અને તેમના પિતા ખેત મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ફોરેન્સિક પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ આ સગીરાની હત્યા થઈ છે કે પછી આત્મહત્યા છે? ગુપ્ત ભાગે ઈજાના નિશાન છે તો શું દુષ્કર્મ થયું છે? ગેંગરેપ થયું છે? આવા અનેક સવાલોના જવાબ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ