બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના નવ દશકોત્સવની ઉજવણી નિમિત્તે બ્રહ્માકુમારીઝ – રાજકોટ તેમજ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાવેલિંગ વિંગ (આર.ઈ.આર.એફ.) દ્વારા આયોજિત ‘માય મોબાઈલ – માય ફ્રેન્ડ વિષયક પ્રેરણાદાયક કાર્યક્રમ ગત શનિવારે રાજકોટ ખાતે ભવ્ય રીતે સંપન્ન થયો. આ પ્રેરણાદાયી કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ‘જગદંબા ભવન’, અવધપુરી સોસાયટી, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, રાજકોટ ખાતે યોજાયો હતો. બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન ડાયરેક્ટર રાજયોગીની વરિષ્ઠ બ્રહ્માકુમારી ભારતીદીદીજીની શુભ પ્રેરણા અને વિશેષ અતિથિઓની પાવન ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને ત્યારબાદ નિરાકાર શિવ પરમાત્માની યાદ સાથે કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરાયો હતો. આ તકે બ્રહ્માકુમારી કિંજલ દીદીએ મહેમાનો અને શ્રોતાઓનું સુમધુર શબ્દોથી સ્વાગત તથા સંચાલન કર્યું હતું. જયારે બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ‘જગદંબા ભવન’ના બ્રહ્માકુમારી રેખાબેનએ કાર્યક્રમના અંતમાં ભાવનાત્મક શબ્દોથી આભાર વિધિ કરી હતી. આધુનિક જીવનમાં ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનું સંતુલન જાળવવાનો સંદેશ આપતો આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો. ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ માટે આ વિષય અત્યંત લાભદાયી રહ્યો હતો. જેમાં તેમને લક્ષ્યવેધ માટે ઘણી મહત્વની ટિપ્સ આપવામાં આવી હતી. મુંબઈથી ખાસ પધારેલા પ્રેરણાદાયક વક્તા બ્રહ્માકુમારી કવિતા દીદીએ માય મોબાઈલ – માય ફ્રેન્ડ વિષયને અત્યંત સરળ, લાગણીસભર અને અસરકારક રીતે રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે – આજના સમયમાં મોબાઈલ માત્ર સાધન નથી રહ્યું, પરંતુ તે આપણા જીવન પર પ્રભુત્વ જમાવી રહ્યું છે. પહેલાં આપણે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા, આજે મોબાઈલ ફોન આપણો ઉપયોગ કરે છે – આ વાક્યએ સૌને આંતરિક રીતે વિચારવા પ્રેરિત કર્યા. કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત શ્રોતાઓએ આત્મચિંતન કરીને મોબાઈલના યોગ્ય ઉપયોગ અને જીવનમાં આધ્યાત્મિક મૂલ્યો અપનાવવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમનું વાતાવરણ શાંતિ, સકારાત્મકતા અને આત્મીયતાથી પરિપૂર્ણ બન્યું હતું. આ આયોજન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ, જીવનમાં પરિવર્તન લાવતો એક પ્રયાસ બની રહ્યો, જેનાથી અનેક લોકો પ્રેરિત થયા અને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને વધુ સુખમય અને સંતુલિત જીવન જીવવાની દિશામાં આગળ વધ્યા. ઉલ્લેખનીય છે કે – આ બે કલાકના કાર્યક્રમ દરમ્યાન શ્રોતાઓએ સ્વૈચ્છિક રીતે જ મોબાઈલ સાયલન્ટ મોડ અથવા સ્વિચ ઓફ કરીને અનમોલ જ્ઞાનનું શ્રવણ કર્યું હતું.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે હાથી મસાલાના ડાયરેક્ટર સુધીરભાઈ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, રીટાયર્ડ આરટીઓ ઈન્સ્પેક્ટર જે વી શાહ, વિજય પારરાખીયા, પોલીસ ઈન્સ્પેક્ટર કર્મદીપભાઈ વાળા એ હાજરી આપી હતી.
