રાજકોટમાં રૂપિયાની લેતી દેતિમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ; ચારેક લોકોને ઈજા

સિવિલ હોસ્પિટલમાં પણ સામસામે આવી જતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો; સામસામી 10 શખ્સો સામે ફરિયાદ

શહેરમાં નજીવી બાબતોમાં મારામારી અને હિંસાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ગઈકાલે મોડી રાત્રે તોપખાના વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે માત્ર 700 રૂપિયાની સામાન્ય લેવડદેવડના મુદ્દે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.આ ઘટનામાં જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, ત્યારે ત્યાં પણ બંને જૂથના સભ્યો સામસામે આવી ગયા હતા અને વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. આખરે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસના ધાડા ઉતારવાની ફરજ પડી હતી.
પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ, જામનગર રોડ પર આવેલા તોપખાના વિસ્તારમાં મોરબી હાઉસ પાસે રહેતા 24 વર્ષીય યુવાન દેવરાજ ગોપીભાઇ ગોરીએ પોતાની ફરિયાદમાં સમગ્ર ઘટના વર્ણવી છે. દેવરાજના જણાવ્યા અનુસાર, ગઈકાલ તારીખ 26મીના રોજ રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યાના સુમારે તે પોતાના ઘર પાસે બેઠો હતો, ત્યારે તેના કાકાનો દીકરો હાર્દિક સુભાષભાઈ ગોરી દોડતો દોડતો આવ્યો હતો. હાર્દિકે આવીને જણાવ્યું હતું કે, તેમના જ વિસ્તારમાં રહેતા સચિન મુન્નાભાઈ જેઠવા નામના શખ્સે તેને ધમકી આપી છે. સચિને હાર્દિકને કહ્યું હતું કે તે હર્ષ નામના યુવાન પાસે રૂપિયા 700 માંગે છે અને હર્ષ છેલ્લા બે મહિનાથી માત્ર બહાના બતાવી રહ્યો છે, પૈસા પરત આપતો નથી. સચિને એવી પણ ધમકી આપી હતી કે જો હર્ષ તાત્કાલિક પૈસા નહીં આપે તો તે બધાને જાનથી મારી નાખશે. આવી ગંભીર ધમકી મળતા દેવરાજ, તેનો ભાઈ અભિષેક ગોરી, હાર્દિક ગોરી, ધાર્મિક વાઘેલા અને જયદીપ નૈયા તાત્કાલિક ધોરણે સચિન જ્યાં બેઠો હતો તે બાપા સીતારામના ઓટલા પાસે દોડી ગયા હતા.
ત્યાં પહોંચતા જ સચિન અને તેના સાગરીતો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને સચિને પોતાની પાસે રહેલી છરી કાઢીને દેવરાજ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં દેવરાજને ડાબા હાથે ખંભાની નીચેના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ જ સમયે સચિનના ભાઈ યુવરાજે લોખંડનો પાઇપ કાઢીને હુમલો કર્યો હતો, જે પાઇપ દેવરાજને ડાબા હાથે કાંડાના ઉપરના ભાગે વાગતા મુંઢમાર વાગ્યો હતો. આ ઝઘડામાં યુવરાજના સસરા જીતેન્દ્રભાઈ, તેમના પત્ની અલ્કાબેન અને સચિનના માતા ભાનુબેન પણ જોડાઈ ગયા હતા અને ગાળો ભાંડીને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યાંથી મહામહેનતે જીવ બચાવીને ભાગ્યા બાદ દેવરાજને તેના કાકાના દીકરા પાર્થે એક્ટિવા પર બેસાડીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.
આ જ ઘટનામાં સામાં પક્ષે તોપખાના શેરી નંબર 5માં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા 28 વર્ષીય સચીનભાઈ ભીખુભાઇ જેઠવાએ નોંધાવેલી સામી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગઈકાલે રાત્રિના સાડા અગિયારેક વાગ્યાની આસપાસ તે પોતાના ઘર પાસે આવેલા બાપા સીતારામના ઓટલે તેના મિત્ર કાલુ સાથે બેઠો હતો. સચિનના જણાવ્યા અનુસાર, તેણે પોતાના વિસ્તારમાં જ રહેતા હર્ષ પાટડીયા નામના યુવાનને 700 રૂપિયા ઉછીના આપ્યા હતા. અવારનવાર ઉઘરાણી કરવા છતાં હર્ષ આ રકમ પરત ન કરતો હોવાથી, સચિને ગઈકાલે રાત્રે તેને ફોન કરીને રૂપિયાની માંગણી કરી હતી. ફોન પર હર્ષે ઉદ્ધતાઈભર્યો જવાબ આપતા કહ્યું હતું કે તે રૂપિયા આપવાનો નથી અને સચિનને પૂછ્યું હતું કે તે ક્યાં બેઠો છે. સચિને પોતે બાપા સીતારામના ઓટલે હોવાનું જણાવતા જ હર્ષે ફોન કાપી નાખ્યો હતો. થોડી જ વારમાં ત્યાં અભિષેક ગોરી, દેવન ગોરી, દેવનના પિતા ગોપીભાઇ ગોરી, હાર્દીક ગોરી અને હર્ષ પાટડીયા ધસી આવ્યા હતા. અભિષેકે સચિનને ઉશ્કેરણીજનક રીતે પૂછ્યું હતું કે તારે શેના રૂપિયા લેવાના છે. આટલું પૂછતાં જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને સચિનને બેફામ ગાળો બોલવા લાગ્યા હતા. આ જ સમયે ગોપીભાઈ ગોરીએ પોતાના હાથમાં રહેલો લોખંડનો પાઇપ સચિનને માથાના ભાગે ઝીંકી દીધો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત અન્ય શખ્સોએ ભેગા મળીને સચિનને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હિંસક મારામારીનો અવાજ સાંભળીને સચિનનો ભાઈ અને પરિવારના અન્ય સભ્યો ત્યાં દોડી આવ્યા હતા અને સચિનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
માત્ર સાતસો રૂપિયા જેવી નજીવી રકમ માટે શરૂ થયેલો ઝઘડો એટલી હદે વણસી ગયો હતો કે તેના પડઘા હોસ્પિટલ સુધી પડ્યા હતા. ઘટનાને પગલે બંને જૂથના ઈજાગ્રસ્તોને જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા, ત્યારે હોસ્પિટલના બિછાને પણ બંને જૂથો વચ્ચે ફરી એકવાર આમનેસામને આવી જવાની પરિસ્થિતિ સર્જાતા ભારે ઉત્તેજના અને તંગદિલી ફેલાઈ ગઈ હતી.પરિસ્થિતિ વધુ વણસે અને હોસ્પિટલ જેવા શાંતિપૂર્ણ સ્થળે કાયદો અને વ્યવસ્થા ખોરવાય તે પહેલાં જ રાજકોટ પોલીસના ધાડા હોસ્પિટલ ખાતે ઉતારી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં પ્રદ્યુમન નગર પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદો નોંધી લીધી છે અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ