ચંદીગઢથી 61 લાખનો દારૂ ભરી રાજકોટ આવતો ટ્રક નવસારી પાસે ઝડપાયો

રાજસ્થાનના સપ્લાયરે દારૂ રાજકોટના બૂટલેગરને મોકલ્યો હોવાનું ખુલ્યું

પંજાબના ચંદીગઢથી રાજકોટ તરફ લઈ જવાતો આશરે રૂ.61 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો નવસારી નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે. દારૂની 30,000થી વધુ બોટલો અને વાહન સહિત રૂ.76.6 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે પોલીસે રાજસ્થાનના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.જી. ભરવાડ અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને એક ચોક્કસ અને મજબૂત બાતમી મળી હતી કે, પંજાબના ચંદીગઢથી એક અશોક લેલન કંપનીનું ટ્રેલર નંબર આરજે-19-જીએફ-9179 માં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને નવસારી થઈને રાજકોટ તરફ જઈ રહ્યું છે.
બાતમી મળતા જ એક્શનમાં આવેલી પોલીસે તાત્કાલિક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા બોરીયાચ ટોલનાકા પાસે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી દીધી હતી. શંકાસ્પદ વાહનો પર નજર રાખવામાં આવી રહી હતી તે દરમિયાન બાતમી મુજબનું ટ્રેલર ત્યાં આવી પહોંચ્યું હતું. પોલીસે તેને અટકાવીને પ્રાથમિક પૂછપરછ બાદ સઘન તલાશી શરૂ કરી હતી. દારૂની 30,000થી વધુ બોટલો મળી આવી હતી.
પોલીસ ટીમે જ્યારે ટ્રેલરની અંદર તપાસ કરી ત્યારે તેમાં ગુપ્ત રીતે છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રેલરમાંથી નાની-મોટી કુલ 30,480 નંગ બોટલો કબજે કરી હતી, જેની અંદાજિત કિંમત રૂ.61 લાખ આંકવામાં આવી છે. દારૂના આ મસમોટા જથ્થા ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલું અશોક લેલન ટ્રેલર અને પકડાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલા બે નંગ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. આમ, પોલીસે દારૂ, વાહન અને મોબાઈલ મળીને કુલ રૂ.76.6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂની આ ગેરકાયદેસર હેરાફેરીના મામલે પોલીસે ડ્રાઈવર હનુમાનરામ જગમારામ બિશ્નોઈ અને ક્લીનર અર્જુન ગોવિંદરામની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવર અને ક્લીનરે કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો તેઓ પંજાબના ચંદીગઢથી ભરીને લાવ્યા હતા અને તેને ગુજરાતના રાજકોટ ખાતે પહોંચાડવાનો હતો. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન પૂછપરછમાં આ નેટવર્ક પાછળના મુખ્ય સૂત્રધારોના નામ પણ સામે આવ્યા છે.
આરોપીઓએ જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો ભરાવનાર મુખ્ય બુટલેગર રૂપારામ દેવાંશી (રહેવાસી- બાલોતરા, રાજસ્થાન) છે. પોલીસે આ ગુનામાં દારૂ સપ્લાય કરનાર મુખ્ય બુટલેગર રૂપારામ દેવાંશી અને તેના અન્ય એક સાગરીત સહિત કુલ બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. હાઈવે પરથી ઝડપાયેલા આ મસમોટા દારૂના જથ્થાના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે અને રાજકોટમાં આ જથ્થો કોને ડિલિવરી કરવાનો હતો તે દિશામાં નવસારી રૂરલ પી.આઈ. વી.જી. ભરવાડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ