શાપરમાં શેરબજારમાં રોકેલા રૂપીયા પરત માંગનાર યુવતી પર નિર્લજજ હુમલો

ફોન પર પગ ભાંગી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદના આધારે તપાસનો ધમધમાટ

શાપર વેરાવળ વિસ્તારમાં શેરબજારમાં રોકાણ કરેલા નાણાં પરત માંગવા જેવી સામાન્ય બાબતમાં એક 23 વર્ષની યુવતી પર જીવલેણ હુમલો અને છેડતીનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની 23 વર્ષીય યુવતીએ શાપરના જ રહેવાસી અશ્ર્વિન દિનેશભાઈ ચૌહાણ વિરુદ્ધ શાપર વેરાવળ પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદની વિગતો અનુસાર, ભોગ બનનાર યુવતી રાજકોટ ખાતે ઈમ્પોર્ટ- એક્સપોર્ટની કંપનીમાં ખાનગી નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2023 દરમિયાન તે આરોપી અશ્ર્વિન ચૌહાણની રાજકોટ ખાતે આવેલી ’ફન બીટ્સ’ નામની શેર માર્કેટની ઓફિસમાં નોકરી કરતી હતી. આ નોકરી દરમિયાન યુવતીએ આરોપીના વિશ્ર્વાસે શેરબજારમાં રોકાણ કરવા માટે તેને નાણાં આપ્યા હતા. લાંબો સમય વિતવા છતાં નફો કે મૂળ રકમ પરત ન મળતાં, ગત તારીખ 27 મે ના રોજ બપોરે આશરે અઢી વાગ્યે યુવતીએ આરોપી અશ્ર્વિનને ફોન કરીને પોતાના નાણાં તેમજ તેની જમીન વેચાણ અંગે પૂછપરછ કરી હતી. પોતાના નાણાં પરત માંગતા જ આરોપી અશ્ર્વિન એકદમ ઉશ્ર્કેરાઈ ગયો હતો અને ફોન પર બિભત્સ ગાળો આપી યુવતીના બંને પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફોન કોલના થોડી જ વાર બાદ આરોપી અશ્ર્વિન ચૌહાણ યુવતીના ઘરે ધસી આવ્યો હતો. તે સમયે યુવતી પોતાના રૂૂમમાં બેઠી હતી ત્યારે આરોપીએ ઘરમાં પ્રવેશ કરી ગમે તેમ ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારવાનું શરૂૂ કર્યું હતું. આટલાથી ન અટકતા, આરોપીએ ઘરમાં બારી પાસે પડેલો લોખંડના સળિયા જેવો બોથડ પદાર્થ ઉપાડી યુવતીના માથામાં કપાળના ભાગે તથા હાથ પર ફટકારી દીધો હતો.હુમલા દરમિયાન આરોપીએ યુવતી સાથે અડપલાં કરી તેની છેડતી પણ કરી હતી.યુવતીની બૂમાબૂમ સાંભળી તેના ભાભુ અને આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ હુમલામાં યુવતીને કપાળ અને હાથના ભાગે મુંઢ ઈજાઓ થઈ હતી. ઘટના બાદ ભયભીત અને હેબતાઈ ગયેલી યુવતીએ આખરે હિંમત ભેગી કરી તારીખ 30 મે 2026ના રોજ પોલીસનો સંપર્ક કર્યો હતો. શાપર વેરાવળ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ સુમિત પનાળીયાને તપાસ સોંપી છે

રિલેટેડ ન્યૂઝ