મે 2026માં સૌથી વધુ 2,081 એલપીજી વેગનનું રેકોર્ડ લોડિંગ
દેશભરમાં એલપીજીની વધતી માંગ અને પુરવઠા સંબંધિત પડકારો વચ્ચે, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ડિવિઝને મે 2026માં અત્યાર સુધીનું સૌથી વધુ એલપીજી વેગન લોડિંગ નોંધાવ્યું છે. રાજકોટ ડિવિઝન દ્વારા માત્ર એક જ મહિનામાં રેકોર્ડ 2,081 એલપીજી વેગનનું લોડિંગ કરીને રાષ્ટ્રીય ઉર્જા સપ્લાય ચેઇનને મજબૂત ટેકો પૂરો પાડવામાં આવ્યો છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (જછ ઉઈખ) શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિએ ડિવિઝનના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ભારતીય રેલવેની માલસામાન વહન ક્ષમતા, ઝડપી કાર્યપ્રણાલી અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને સાબિત કરે છે.
ડિવિઝન દ્વારા આ અગાઉ એપ્રિલ 2026માં 1,527 એલપીજી વેગનના લોડિંગનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો, જેને મે 2026માં પાછળ છોડીને 2,081 વેગનનું ઐતિહાસિક લોડિંગ નોંધાયું છે. આ અગાઉના રેકોર્ડની સરખામણીમાં આશરે 36.28 ટકાનો નોંધપાત્ર વધારો છે.
આ રેકોર્ડ લોડિંગ રાજકોટ ડિવિઝનના કાનાલુસ સ્થિત રિલાયન્સ રેલવે ટર્મિનલ પરથી કરવામાં આવ્યું હતું, જ્યાંથી એલપીજી રેકને હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને ઓડિશા સહિત દેશના વિવિધ રાજ્યો માટે રવાના કરવામાં આવ્યા હતા. આ ઝડપી પરિવહને દેશવ્યાપી એલપીજી પુરવઠો સુચારૂ રાખવામાં રાજકોટ ડિવિઝનની મહત્વની ભૂમિકાને રેખાંકિત કરી છે.
આ પ્રસંગે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ઉછખ) ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, દેશવ્યાપી એલપીજી પુરવઠાને સુચારૂ રાખવામાં રાજકોટ ડિવિઝન મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. કાનાલુસ સ્થિત રિલાયન્સ રેલવે ટર્મિનલ પરથી આ રેકોર્ડ લોડિંગ ભારતીય રેલવેની માલસામાન વહન ક્ષમતા, ટીમ વર્ક અને શ્રેષ્ઠ સંકલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. રાજકોટ ડિવિઝન દ્વારા માલસામાનની હેરફેરના ક્ષેત્રમાં સતત નવી ઊંચાઈઓ સર કરવામાં આવી રહી છે. આવશ્યક ચીજવસ્તુઓનો સમયસર અને સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરીને રાજકોટ ડિવિઝન રાષ્ટ્રની પ્રગતિ અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન સતત આપી રહ્યું છે.
