RMCમાં હવેથી શહેર ભાજપ પ્રમુખની ચંચુપાત નહીં થાય, પદાધિકારીઓ લઇ શકશે સ્વતંત્ર નિર્ણયો

જનરલ બોર્ડ કે અન્ય કોઇ એજન્ડા પૂર્વે મળતી સંકલનની બેઠકમાં શહેર પ્રમુખ-મહામંત્રીઓની બાદબાકી, પ્રદેશમાંથી જ આવ્યો ‘મનાઇ હુકમ’

રાજકોટ કોર્પોરેશનમાં સ્ટેન્ડીંગ કમિટી હોય, જનરલ બોર્ડ હોય કે પછી અન્ય કોઇ એજન્ડા સાથેની મિટિંગ હોય તો એ પહેલા સંકલનની બેઠક બોલાવવામા આવે ત્યારે શહેર સંગઠન પ્રમુખ જે નિર્ણય કરે એ સર્વાનુમતે સ્વીકારવામા આવતો હોવાનું અત્યાર સુધી જોવા મળ્યુ હતુ. પરંતુ હવેથી સંકલનની બેઠકમાં માત્ર નગરસેવકો, પદાધિકારીઓ તેમજ વિવિધ કમિટીના ચેરમેનો જ અપેક્ષિત હશે. શહેર ભાજપ પ્રમુખ કે શહેર મહામંત્રી સહિતના હોદેદારોએ સંકલનમાં જવાનુ નહીં રહે. પ્રદેશ કક્ષાએથી જ આ ‘મનાઇ હુકમ’ આવ્યો છે. માત્ર રાજકોટ કોર્પોરેશન પુરતુ જ નથી પણ, સમગ્ર રાજ્યની મહાનગરપાલિકા માટે પ્રદેશ કક્ષાનો આ નિર્ણય હોવાનું જાણવા મળે છે.
રાજકોટમાં વર્ષોથી એક જ ચીલો ચાલ્યો આવતો હતો. મહાનગરપાલિકામાં કોઇ નિર્ણય લેવાનો હોય તો શહેર સંગઠનના મધ્યસ્થ કાર્યાલયેથી જ થતો હતો. ખાસ કરીને એવુ પણ કહેવાતુ હતુ કે, સ્ટેન્ડીંગ કમિટીની બેઠકનો એજન્ડા જેવો બહાર પડે એ જ સાથે શહેરના મધ્યસ્થ કાર્યાલયેથી નક્કી થતુ હતુ કે કઇ દરખાસ્ત મંજૂર કરવી, કઇ ન કરવી, ક્યા કોન્ટ્રાક્ટ-એજન્સી સાથે કઇ રીતે ‘ડીલ’ કરવી! આ ઉપરાંત કઇ અગત્યનો નિર્ણય લેવાનો થાય ત્યારે પણ શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલયેથી જ હુકમ છુટે એ મુજબ જ બધુ ચાલતુ હતુ. પ્રજાએ ચૂંટીને મોકલેલા નગરસેવકો, પદાધિકારીઓ માત્ર કઠપુતળી જ હતા. પણ છેલ્લા પાંચ-સાત વર્ષથી શહેર સંગઠન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદેદારો વચ્ચે ક્યાંકને ક્યાંક ઇગો કલેશ, આંતરિક ઘર્ષણ કે નારાજગીથી બન્ને વચ્ચે ખાઇ વધતી જતી હોવાનું વાતાવરણ સર્જાઇ રહ્યુ છે. એ જોતા પ્રદેશમાંથી એક આમુલ પરિવર્તન લાવવાનો નિર્ણય લેવાયો કે હવેથી કોર્પોરેશનના રાજકારણમાં શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી કે અન્ય હોદેદારોએ મનપાની સંકલનની બેઠકમાં હાજર રહેવાની જરૂર નથી. જાણવા તો ત્યા સુધી મળ્યુ છે કે, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને હાઇકમાન્ડમાંથી એવો સ્પષ્ટ આદેશ અપાઇ ગયો છે કે, ‘તમારે મનપાની કોઇ સંકલનની બેઠકમાં ભાગ લેવાનો નથી!’

જનરલ બોર્ડમાં મેયર, સ્ટે.કમિટીમાં ચેરમેન જ સર્વોપરી
‘જી હુજુર’ આવુ જ કંઇક મહાનગરપાલિકામાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, ડેપ્યુટી મેયર કે અન્ય હોદેદારો માટે થતુ આવતુ હતુ. શહેર સંગઠન કહે એટલી જ હુજુરી કરવી પડી હોવાનું મોટાભાગે બનતુ આવ્યુ છે. પરંતુ હવ બદલેલા સિનારિયોમાં પ્રજાએ પસંદગી કરીને મનપાનું સુકાન સંભાળવા મોકલેલા નગરસેવકોમાંથી નિમણુંક થયેલા પદાધિકારીઓને થોડોઘણો સ્વતંત્રતાનો શ્વાસ લેવાની તક મળી શકશે તેવુ લાગી રહ્યુ છે. પ્રદેશ મવડી મંડળના નિર્ણય મુજબ જનરલ બોર્ડમાં મેયર અને સ્ટેન્ડીંગ કમિટીમાં ચેરમેન જ સર્વોપરી ગણાશે.
પ્રમુખને માત્ર સુચન મોકલવાની જ છૂટ
શહેર ભાજપ પ્રમુખને મનપાની કોઇપણ સંકલનની બેઠકમાં હાજરી આપવાની જરૂર નથી તેવો પ્રદેશનો નિર્ણય ચોક્કસ છે જ. પણ સાથે પ્રમુખને મનપાના કોઇ નિર્ણય માટે સુચન મોકલવાની સતા જરૂર રહેશે. કોઇ કામ, પ્રોજેક્ટ કે મહત્વના નિર્ણય માટે શહેર ભાજપ પ્રમુખ પોતાનુ કે શહેર સંગઠનની લાગણી કે સુચનો મેયર અથવા તો સ્ટેન્ડીંગ ચેરમેનને આપી શકે તેટલી છૂટ રહેશે.

રિલેટેડ ન્યૂઝ