રાજકોટના કુખ્યાત બુટલેગર આણી ટોળકીના 20 સાગરીતો વિરૂદ્ધ ગુજસીટોક

10 વર્ષમાં 272 ગૂનાને અંજામ આપનાર 10 શખ્સની ધરપકડ; 4 ફરાર: ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક વર્ષમાં 9 ગેંગ વિરૂદ્ધ ગૂના નોંધી 113 શખ્સોને જેલમાં ધકેલ્યા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા દારૂની સપ્લાય કરતા બુટલેગર ફિરોઝ ઉર્ફે ફીરીયો સંધી ગેંગના 20 શખ્સો સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં હાલ પોલીસે 10 આરોપીની ધરપકડ કરી છે જયારે મુખ્ય આરોપી ફિરોઝ ઉર્ફે ફીરીયો સહીત 6 આરોપી જુદા જુદા ગુનામાં જેલમાં બંધ હોવાથી તેનો જેલમાંથી કબ્જો મેળવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે જયારે ફરાર 4 આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ, મારામારી દારૂ જુગાર જેવા ગુના મળી કુલ 272 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં નાના બુટલેગર સુધી દારૂ પહોંચાડતા બુટલેગરો વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્ય આરોપી ફિરોઝ ઉર્ફે ફીરીયો સંધી સહીત 20 શખ્સો દ્વારા છેલ્લા 10 વર્ષમાં 272 ગુના આચરવામાં આવ્યા છે. આ ગુનામાં પોલીસે હાલ 10 આરોપીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી ફિરોઝ ઉર્ફે ફીરીયો સંધી સહીત 6 શખ્સો જેલમાં બંધ હોવાથી તેનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જયારે 4 આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આરોપી ચંદ્રેશ ઉર્ફે કાળિયો ચાઉં વિરુધ્ધ 17 ગુના, ધવલ ઉર્ફે શિવ વડનગરા વિરુધ્ધ 17 ગુના, યશપાલસિંહ જાડેજા વિરુધ્ધ 13 ગુના, મનોજ ઉર્ફે શિવો પોબારુ વિરુધ્ધ 5 ગુના, મોહસીન ઉર્ફે ચીનલો કુરેશી વિરુધ્ધ 7 ગુના, જય ઉર્ફે જયશન સાવલિયા વિરુધ્ધ 10 ગુના, મોહસીન ભાયા વિરુધ્ધ 6 ગુના, બકુલ ઉર્ફે જગદિશ નંદેસણીયા વિરુધ્ધ 5 ગુના, રાહુલ વકાતર વિરુધ્ધ 7 ગુના, અને નિર્મળ માણેક વિરુધ્ધ 9 ગુના નોંધાઈ ચુક્યા છે.
જેલમાં બંધ આરોપી ફિરોઝ ઉર્ફે ફીરીયો વિરુધ્ધ છેલ્લા 20 વર્ષમાં 35 ગુના નોંધાઈ ચુક્યા છે અને 7 વખત પાસા હેઠળ ધકેલાઈ ચુક્યો છે. જયારે ધવલ સાવલિયા વિરુધ્ધ 28 ગુના, ઇમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી કાલવા વિરુધ્ધ 26 ગુના, પ્રશાંત ઉર્ફે પાસો પરમાર વિરુધ્ધ 13 ગુના, હર્ષદ ઉર્ફે મહાજન માંડલિયા વિરુધ્ધ 26 ગુના અને યુસુફ ઉર્ફે ડાંગી હિંગોરા વિરુદ્ધ 18 ગુના નોંધાઈ ચુક્યા છે.
ગુજસીટોક ફરિયાદમાં મુખ્ય આરોપી ફિરોઝ ઉર્ફે ફીરીયો સંધી કુખ્યાત બુટલેગર અને રીઢો ગુનેગારની છાપ ધરાવે છે. છેલ્લા 20 વર્ષમાં રાજકોટ શહેર, જિલ્લા તેમજ મોરબીમાં કૂલ 35થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે અને તે 7 વખત પાસા હેઠળ જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યો છે. એટલું જ નહિ તાજેતરમાં રાજકોટ અમદાવાદ હાઇવે પરથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો એ પણ ફિરોઝનો હોવાનું સામે આવતા કુવાડવા પોલીસ સ્ટેશન પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી રાજકોટ પોલીસ દ્વારા તેને રાજસ્થાનથી તેના સપ્લાયર સાથે ઝડપી હતો જે હાલ જેલમાં બંધ છે.

રિલેટેડ ન્યૂઝ