ક્યાંક તો હોદ્દો મેળવવો ને! છેલ્લે બાકી શિક્ષણ સમિતિના સભ્ય બનવા માટે BJPમાં લાગી હોડ

રાજકોટ મનપાની શિક્ષણ સમિતિમાં રહેવા માટે શહેર ભાજપ પ્રમુખે દાવેદારી માગતા જ 100થી વધુ અરજીના ઢગલાં થયા, સભ્યપદની સંખ્યા છે માત્ર 12

રાજકોટ ભાજપના સંગઠન, વિવિધ સેલ કે પછી વોર્ડના માળખામાં પણ ક્યાંય સ્થાન મળ્યુ ન હોય તેવા કાર્યકરો, આગેવાનોને ‘કંઇક તો હોદો જોઇએ ને!’ તેવુ માનીને કમસેકમ મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્યપદ મેળવવા માટે રિતસર હોડ લાગી છે. સભ્યપદ માટે દાવેદારી મગાવવામા આવતા અત્યાર સુધીમાં 100થી વધુ કાર્યકર્તા-આગેવાનોએ અરજી કરી છે.
રાજકોટ મહાપાલિકામાં ગત તા.ર8-5ના રોજ ભાજપની નવી ચૂંટાયેલી બોડીએ ચાર્જ સંભાળ્યો હતો. આ બાદ લાંબા સમયે પેટા સમિતિ ચેરમેનોની નિમણુંક થઇ હતી. હવે શિક્ષણ સમિતિના પદાધિકારીઓ હજુ ગત ટર્મના હોય તેમાં પણ ચેરમેન સહિતના સભ્યોની નિમણુંક માટે પ્રદેશ નેતાગીરીને કોઇ ઉતાવળ હોય તેવું લાગતું નથી. મુખ્ય હોદ્દાઓની જેમ હવે શિક્ષણ સમિતિના સભ્યો બનવા માટે પણ કોર્પો.ની ટીકીટ જેવી જ નીતિ પાર્ટીએ અપનાવી છે. ઇચ્છુકોની દાવેદારી મંગાવતા અત્યાર સુધીમાં 100થી વધુ આગેવાનો અને કાર્યકરોએ દાવેદારી શહેર ભાજપમાં મુકી છે. શિક્ષણ સમિતિના ચેરમેનની ટર્મ સૌથી લાંબી છ વર્ષની હોય છે તે ઉલ્લેખનીય છે.
મહાનગરપાલિકા સંચાલિત અને 100થી વધુ પ્રા.શાળાનું સંચાલન કરતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના સભ્ય બનવા માટે ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહ વચ્ચે 100થી વધુ આગેવાનોએ પોતાની દાવેદારી શહેર ભાજપમાં મુકી છે. ગત મનપાની ચૂંટણીમાં ટિકીટ ફાળવણી અંગે હાઈકમાન્ડ દ્વારા એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. તે રીતે શિક્ષણ સમિતિના સભ્ય બનવા માટેપણ માર્ગદર્શીકા ટુંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે.
જેને ધ્યાનમાં રાખી 12 સભ્યની નિયુક્તિ કરવામાં આવશે. હાલ પ્રદેશમાંથી એવી સુચના આપવામાં આવી છે કે, જે કાર્યકરો શિક્ષણ સમિતિના સભ્ય બનવા માટે ઈચ્છુક હોય તેઓના પત્રો સ્વીકારવાનું ચાલુ રાખવું. આ શિક્ષણ સમિતીમાં કુલ 15 સભ્યો હોય છે. જે પૈકી ત્રણ સભ્યોની નિમણુંક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. જ્યારે બાકીના 12 સભ્ય પૈકી એક બેઠક અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે આઠ બેઠકો સામાન્ય છે. ત્રણ બેઠકો શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અનામત છે. કોર્પોરેટરોની સંખ્યાબળના આધારે શિક્ષણ સમિતિમાં રાજકીય પક્ષોને સભ્યપદ મળતું હોય છે. એક સભ્યપદ મેળવવા માટે ઓછામાં ઓછા છ કોર્પોરેટરો હોવા જરૂરી છે. ગત ટર્મમાં કોંગ્રેસ પાસે માત્ર ચાર કોર્પોરેટરોનું સભ્ય સંખ્યાબળ હતું. જેના કારણે તમામ 12 સભ્ય ભાજપના હતાં. હવે કોર્પો.માં ભાજપના 6પ અને કોંગ્રેસના 7 સભ્ય હોય, એક સભ્ય કોંગ્રેસના આવી શકે છે. પ્રદેશ ભાજપ દ્વારા પૂરા રાજયમાં આ રીતે દાવેદારોની અરજી સ્વીકારવા સૂચના મોકલવામાં આવી છે. અગાઉ હોદેદારોની નિયુક્તિ કરવા અને ત્યાર બાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી માટે પણ આ કારણે જ દાવેદારોની લાઇન લાગી હતી. હવે સમિતિમાં સભ્ય બનવા માટે શૈક્ષણિક લાયકાતને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તેમ માનવામાં આવે છે. કમ સે કમ ગ્રેજયુએટ હોય તેવા આગેવાનોને સભ્યપદ મળી શકે છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સમક્ષ કાર્યકરો સભ્યપદ માટે ઇચ્છા વ્યકત કરી રહ્યા છે. જે રીપોર્ટ ઉપર મોકલવામાં આવશે. તે બાદ મુખ્ય પદાધિકારીઓની જેમ જ આ સભ્યોની નિમણુંક પણ નિરીક્ષકો સમક્ષ અહેવાલ બાદ જ જાહેર થાય તેવું લાગી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ