ધોરાજી સિવિલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત રેડીયોલોજીસ્ટની નિમણુંક: પૂર્વ એમએલએની સફળ રજૂઆત

ઓથોપેડીક સર્જનની નિમણુંક નહી કરો તો આંદોલન કરીશું: લલીત વસોયા

ધોરાજી સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ખાલી પડેલી નિષ્ણાત તબીબોની જગ્યાઓ અંગે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની કડક રજૂઆત અને આંદોલનની ચીમકી બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. લલિત વસોયાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખીને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે તબીબોની નિમણૂક કરવા માંગ કરી હતી, જેના પગલે આરોગ્ય વિભાગે બાળરોગ નિષ્ણાત અને રેડિયોલોજિસ્ટની જગ્યાઓ પર નિમણૂક આપવાની ફરજ પડી છે.
આરોગ્ય વિભાગ દ્વારા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત ડો. અંકિતા સાવલિયા રેડિયોલોજિસ્ટ ડો. આકાશ પટોડિયા તરીકે તાત્કાલિક નિમણૂક કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. જયેશ વસેટીયનના જણાવ્યા મુજબ, આ ડોક્ટરો દરરોજ સવારે 9:00 થી બપોરે 1:00 અને સાંજે 4:00 થી 6:00 વાગ્યા સુધી દર્દીઓને કાયમી સેવા આપશે. આ નિમણૂકોથી સામાન્ય અને ગરીબ જનતાને ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચમાંથી મોટી રાહત મળશે.
ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જનની જગ્યા ખાલી: તાત્કાલિક નિમણૂક નહી થાય તો ઉગ્ર આંદોલન
પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પત્રકારો સાથેની વાતચીતમાં સરકારને આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, બાળરોગ અને રેડિયોલોજિસ્ટની નિમણૂક આવકાર્ય છે પરંતુ હોસ્પિટલમાં હજુ પણ અત્યંત મહત્વપૂર્ણ એવા ઓર્થોપેડિક સર્જન (હાડકાના નિષ્ણાત) ની જગ્યા ખાલી છે. ધોરાજી સિવિલમાં દરરોજ 80 થી 100 જેટલા દર્દીઓ હાડકાની તકલીફ અને અકસ્માતના ગંભીર કિસ્સાઓ સાથે આવે છે. સર્જનના અભાવે ફેક્ચર કે ઈજાગ્રસ્ત દર્દીઓને જૂનાગઢ, રાજકોટ કે ખાનગી હોસ્પિટલોમાં રિફર કરી દેવાય છે, જેથી ગરીબ દર્દીઓ ભારે હેરાનગતિ અને આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે.
લલિત વસોયાએ સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે જો સરકાર તાત્કાલિક ધોરણે ધોરાજી સિવિલમાં ઓર્થોપેડિક સર્જનની નિમણૂક નહીં કરે, તો પ્રજાને સાથે રાખીને સરકાર સામે જલદ અને આક્રમક આંદોલન છેડવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ