અમદાવાદની નિષ્ણાંતોની ટીમે મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ સોંપ્યો : ક્ષતિગ્રસ્ત બોક્સ પીલર તોડી પડાશે
રાજકોટના નવા રિંગ રોડ ઉપર વાજડી ગામ પાસે નિર્માણાધીન ત્રણ પૈકી એક બ્રિજમાં બેદરકારી અથવા ભ્રષ્ટાચાર થયાનું બહાર આવ્યું છે. બ્રિજના સળિયામાં જગ્યા હોવાનું બહાર આવ્યા બાદ નિષ્ણાતોની ટીમે ટેક્નિકલ ચકાસણી કરી રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં કોન્ટ્રાક્ટરે કામમાં બેદરકારી દાખવી સળિયા જોઇન્ટિંગ આડેધડ કરી 60 ડિગ્રી બેન્ડ સળિયા સાથે પાંચ બોક્સ પિલરનું ક્રોપિંગ કરી નાખ્યું છે. આથી આ બોક્સ પિલર નબળા હોવાથી તોડી પાડવા નિર્ણય લેવાશે.
મ્યુનિસિપલ કમિશનરે ગત તા.10/09/26ના રોજ નવનિર્મિત ત્રણેય બ્રિજની સ્થળ તપાસ કરી એક બ્રિજમાં એલાઈનમેન્ટ બરોબર નથી તેવું જણાવી બે ઈજનેરને સસ્પેન્ડ કરી સિટી ઇજનેર, ડે.કમિશનર અને કોન્ટ્રાક્ટરને શો કોઝ નોટિસ ફટકારી હતી તથા તેની તપાસ અમદાવાદની ગવર્નમેન્ટ માન્ય નિષ્ણાતોની ટીમને તપાસ સોંપવામાં આવી છે. આથી નિષ્ણાતોએ શુક્રવારેે રિપોર્ટ તૈયાર કરી મ્યુનિ. કમિશનરને મોકલતા રિપોર્ટમાંથી જાણકારી મળી છે. જેમાં બોક્સ પિલરમાં સળિયા 60 ડિગ્રી વળી ગયેલા હોવાથી ત્રણ બોક્સ પિલર સંપૂર્ણપણે અને બે બોક્સ પિલર અડધા તોડી પાડવા જણાવ્યું છે. આથી મ્યુનિ. કમિશનર દ્વારા રિપોર્ટ અંગે ઈજનેરો સાથે ચર્ચા કર્યા બાદ એક બે દિવસમાં ક્ષતિગ્રસ્ત બોક્સ પિલર તોડી કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે.
એજન્સીના રિપોર્ટમાં બ્રિજના કામમાં ક્ષતિઓ અને ગંભીર બેદરકારી ખૂલી પડી હતી. જે તે સમયે વર્કમેનશીપ એટલે કે, ભરાઈમાં ખામી રહીનું બહાનું બતાવ્યું હતું. જો કે, ફરજ પરના બન્ને ઈજનેરો નાયબ ઈજનેર વી. સી. કારિયા અને આસિ. ઇજનેર વિશાલ વાગડિયાની બેદરકારી છતી થઈ હતી તેથી તેમને સસ્પેન્ડ કર્યા હતા. આ ઉપરાંત, ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી અને સિટી ઈજનેર કુંતેશ મહેતાને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.
રિંગ રોડના બ્રિજમાં ક્ષતિ હોવાનું મનપાના પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટે શોધી કાઢ્યું હતું અને મ્યુનિ. કમિશનરે તપાસના આદેશ આપી કોન્ટ્રાક્ટરને શો કોઝ નોટિસ આપી હતી, પરંતુ સ્થાનિક યુનિટનો રિપોર્ટ કોન્ટ્રાક્ટરને માન્ય ન હોય કે ગમે તે કારણોસર અમદાવાદની ગવર્નમેન્ટ માન્ય નિષ્ણાતોની ટીમને ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું અને નિષ્ણાતોએ તૈયાર કરેલા રિપોર્ટમાં મોટી બેદરકારી સામે આવી છે. આથી પીએમયુ યુનિટની કામગીરી શંકાસ્પદ હોવાનું સાબિત થયું છે.
