અમરેલી જિલ્લામાં વધુ એક સાવજનું મોત છતડિયા બીટમાં રેસ્કયુ કરાયેલા બીમાર સિંહે સારવાર દરમિયાન તોડયો દમ


વન્યજીવ પ્રેમીઓમાં નિરાશા: સિંહના મોતનું કારણ અકળ

અમરેલી જિલ્લામાં વધુ એક સિંહનું મોત નીપજતાં વન્ય જીવ પ્રેમીઓમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. ગીર પૂર્વ વનવિભાગની સરસિયા રેન્જ હેઠળના છતડિયા બીટ વિસ્તારમાંથી બીમાર હાલતમાં રેસ્ક્યૂ કરાયેલા અંદાજે બે થી ત્રણ વર્ષના સિંહનું ધારી સફારી પાર્ક ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. થોડા દિવસ અગાઉ ક્રાકચ એનિમલ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન એક સિંહણનું પણ મોત થયું હતું. ટૂંકા ગાળામાં સિંહ અને સિંહણનાં મોતના બનાવો સામે આવતાં વન્યજીવપ્રેમીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
આ બનાવમાં પ્રાપ્ત વિગતો અનુસાર, ગીર પૂર્વની સરસિયા રેન્જના છતડિયા બીટ વિસ્તારમાં બીમાર હાલતમાં મળી આવેલા સિંહને બચાવવા વનવિભાગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ સિંહને વધુ સારવાર અર્થે ધારી સફારી પાર્ક ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન સિંહનું મોત નીપજતાં વન્યજીવપ્રેમીઓમાં દુ:ખની લાગણી ફેલાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ક્રાકચ એનિમલ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલી એક સિંહણનું પણ મોત થયું હતું. હવે છતડિયા બીટમાંથી રેસ્ક્યૂ કરાયેલા સિંહનું મોત થતાં સિંહોના સ્વાસ્થ્ય અને તેમની સારવાર અંગે અનેક સવાલો ઊભા થયા છે. જોકે, મૃતક સિંહનાં મોતનું ચોક્કસ કારણ જાણવા સત્તાવાર વિગતો સામે આવે તે જરૂરી છે.
ગીર વિસ્તાર અને આસપાસના પ્રદેશોમાં વસતા એશિયાટિક સિંહો ગુજરાતની અમૂલ્ય વન્યજીવ ધરોહર છે. આવા સંજોગોમાં વધુ એક સિંહનું મોત વન્ય જીવ પ્રેમીઓ માટે આઘાતજનક બન્યું છે. સિંહના મોત પાછળનું ચોક્કસ કારણ શું હતું? તે અંગે વનવિભાગ તરફથી સત્તાવાર સ્પષ્ટતા થાય ત્યારબાદ જ સમગ્ર હકીકત બહાર આવશે.

રિલેટેડ ન્યૂઝ