આગામી નવરાત્રી-દિવાળીના તહેવારો પૂર્વે અમરેલીમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહીની માંગ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું કલેક્ટરને આવેદનપત્ર

ઈંડા-મટનની દુકાનો, સ્પા, હોટેલ અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગ કરવા માંગ

આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શહેરમાં ચાલતી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષ ડો. જી.જે. ગજેરાએ પાઠવેલા આવેદનપત્રમાં ગેરકાયદે ઈંડા-મટનની દુકાનો, સ્પા, હોટેલ તથા ગેસ્ટ હાઉસમાં તપાસ હાથ ધરવા સહિતના વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, અમરેલી શહેરના મુખ્ય માર્ગો, શાક માર્કેટ અને બારાપરા સહિતના વિસ્તારોમાં જરૂરી મંજૂરીઓ વિના અથવા નિયમોનું પાલન કર્યા વગર ચાલતી ઈંડા, માંસ અને મટનની દુકાનો સામે તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે. અને તહેવારો દરમિયાન ધાર્મિક લાગણીઓ ન દુભાય અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત, શહેરમાં કાર્યરત સ્પા, હોટેલ અને ગેસ્ટ હાઉસમાં રાત્રિના સમયે સઘન ચેકિંગ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને ગેસ્ટ હાઉસમાં મુલાકાતીઓની નોંધણી માટેના રજિસ્ટર જાળવવામાં આવે છે કે, નહીં તેમજ ’પથિક સોફ્ટવેર’માં જરૂરી ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવે છે કે નહીં તેની ચકાસણી કરવા રજૂઆત કરાઈ છે.
આ આવેદનપત્રની નકલો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, અમરેલીના ધારાસભ્ય તથા ઊર્જામંત્રી કૌશિક વેકરિયા, આઈ.જી., અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક અને અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટરને પણ મોકલવામાં આવી છે.
તહેવારોના દિવસોમાં શહેરમાં શાંતિ, સલામતી અને કાયદાનું પાલન સુનિશ્ચિત થાય તે માટે સંબંધિત વિભાગો દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ