દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે: નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું

નવી દિલ્હી: ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 2025માં સત્તા સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ લીની આ પ્રથમ ભારત મુલાકાત છે,
જે છેલ્લા 8 વર્ષમાં દક્ષિણ કોરિયાના કોઈ પણ રાષ્ટ્રપતિની ભારતની પ્રથમ સ્ટેટ વિઝિટ પણ છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના ’સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ માનવામાં આવે છે.
રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત આ ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદીએ કોરિયન રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા કિમ હી-ક્યુંગનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ લીને ’ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમણે રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ લી રવિવારે ત્રણ દિવસીય પ્રવાસે ભારત પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ પર તેમનું સ્વાગત કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાનો છે. હૈદરાબાદ હાઉસમાં યોજાનારી દ્વિપક્ષીય બેઠકમાં બંને નેતાઓ સેમિક્ધડક્ટર્સ, ગ્રીન એનર્જી, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અને શિપબિલ્ડિંગ જેવા મહત્વના ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ચર્ચા કરશે. ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે વર્ષ 2024માં દ્વિપક્ષીય વેપાર 25.1 અબજ ડોલર રહ્યો હતો, જેને વર્ષ 2030 સુધીમાં 50 અબજ ડોલર સુધી લઈ જવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ માટે બંને દેશો પોતાના વ્યાપક આર્થિક ભાગીદારી કરારને વધુ આધુનિક બનાવવા પર પણ ભાર મૂકી રહ્યા છે.
પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં આવતા અવરોધો વચ્ચે ભારત અને દક્ષિણ કોરિયાની નિકટતા ખૂબ મહત્વ ધરાવે છે. રાષ્ટ્રપતિ લીએ અગાઉ જણાવ્યું હતું કે ભારત હવે માત્ર એક ગ્રાહક બજાર નથી, પરંતુ વૈશ્વિક ઉત્પાદન અને સપ્લાય ચેઈનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. દક્ષિણ કોરિયાની ટેકનોલોજી અને ભારતની ઉત્પાદન ક્ષમતાનો સમન્વય ’મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને વધુ વેગ આપી શકે છે, ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે ’ઊં9 વજ્ર’ જેવી સફળ ભાગીદારીને અન્ય ક્ષેત્રોમાં વિસ્તારવાની યોજના છે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ લી ભારત મંડપમ ખાતે બિઝનેસ ફોરમમાં પણ ભાગ લેશે, જ્યાં બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે રોકાણની તકો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ