અમેરિકા અને ઇરાન વચ્ચેની વાટાઘાટ અત્યંત નાજુક તબક્કામાં પહોંચી
અમેરિકા અને ઈરાન વચ્ચે રોકાયેલા યુદ્ધ બાદ હવે વાટાઘાટોની પ્રક્રિયા ઝડપી બની છે અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વધુ એક વખત આશાવાદ દર્શાવતા કહ્યું કે હોર્મુઝ જળમાર્ગ બહુ જલ્દી જ ખુલી જશે. જો કે તેઓએ ઈરાન કોઈપણ સંજોગોમાં અણુશસ્ત્રો બનાવી નહી શકે તેવી અમેરિકાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. બીજી તરફ વાટાઘાટમાં ઈરાને હવે હોર્મુઝ પુરી રીતે ખોલવાની તૈયારી સાથે અહીથી પસાર થતા વ્યાપારી જહાજો પર 7 ટકાનો ટોલ ટેકસ વસુલવાની દરખાસ્ત રાખી છે. તહેરાને આ માટે સીધી રીતે જણાવ્યું છે કે હોર્મુઝ જળમાર્ગ પર તેનો જ અંકુશ છે અને તે તેમાં પીછેહઠ કરશે નહી. ઈરાનનો એ પણ દાવો છે કે તેના પર થોપી બેસાડેલા યુદ્ધના કારણે જે નુકશાન થયું છે તે તેના માટે વસુલવુ જરૂરી છે. જો કે ઈરાને આ સાત ટકા ટોલટેકસમાંથી તેના બે સહયોગી રાષ્ટ્રો ચીન અને રશિયાને પુરી રીતે મુક્તિ આપવાની પણ દરખાસ્ત કરી છે. જયારે હોર્મુઝ જળમાર્ગ પર સંયુક્ત કબજો ધરાવતા ઓમાને સાત ટકાને બદલે ત્રણ ટકા ટોલ ટેકસ વસુલવાની દરખાસ્ત કરી છે. જો કે અમેરિકાએ સ્પષ્ટ કર્યુ છે કે તે હોર્મુઝ જળમાર્ગને પુરી રીતે કોઈપણ જાતના ટોલટેકસ કે ચાર્જ વગર ખુલ્લો રહે તે નિશ્ર્ચિત કરશે. ઈરાનના અધિકારીઓએ દાવો કર્યો કે પર્સીયન ગલ્ફમાં આવાગમન કરતા જહાજો પર તેનું સીધુ નિયંત્રણ હશે. ઈરાનનું માનવું છે કે અમેરિકાએ અમારી આ દરખાસ્ત સ્વીકારવી જ પડશે અને વાતચીત હાલ અત્યંત સંવેદનશીલ તબકકામાં છે. હોર્મુઝ જળમાર્ગ પર જો ટોલટેકસ આવે તો શીપીંગ ખર્ચ વધી જશે અને ભારત સહિતના દેશોને સહન કરવું પડશે. આથી અમેરિકા તે માટે તૈયાર થાય કે કેમ તે પણ પ્રશ્ર્ન છે.
હોર્મુઝમાં ઈરાન તરફથી નવો સિંગલ રૂટ શરૂ કરાશે!
હોર્મુઝ જળમાર્ગ મુદે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટમાં એક તરફ ત્રણ ટકા ટોલટેકસનો પ્રસ્તાવ કર્યો છે તો બીજી તરફ આ જળમાર્ગમાં ઈરાનના ક્ષેત્રમાંથી પસાર થતા જહાજો માટે એક નવો માર્ગ ખોલવાની પણ દરખાસ્ત છે અને તેના કારણે અન્ય એક માર્ગ પર ઓમાનનો કબ્જો રહેશે. જો કે આ અંગે ઈરાને હજુ સંમતિ આપી નથી પણ તેનું કહેવું છે કે અમેરિકા જો અમને આ પ્રકારે ટોલટેકસ વસુલવા છુટ આપે તો સંભવ છે કે અમે નવી વ્યવસ્થા સ્વીકારી શકીએ. પરંતુ તે પુર્વે હોર્મુઝ માટે અમારી જે દરખાસ્ત છે તે માન્ય રહેવી જોઈએ. આ વ્યવસ્થામાં બંને દેશો ત્રણ થી ચાર મહિના માટે પ્રયોગ કરવા સંમત થાય તેવી ધારણા છે.
અમેરિકા સાથેની વાટાઘાટમાં તહેરાનનો પ્રસ્તાવ: ચીન અને રશિયાને ટોલટેકસમાંથી મુક્તિ આપશે: જો કે અમેરિકા હોર્મુઝને પુરી રીતે ટોલટેકસ મુક્ત કરવા મકકમ
